IPL 2026: હૈદરાબાદમાં સનરાઇઝર્સે RCBને 55 રને આપી માત; હાર છતાં બેંગલુરુ ટોપ-2માં યથાવત
Live TV
-
IPL 2026: હૈદરાબાદમાં સનરાઇઝર્સે RCBને 55 રને આપી માત; હાર છતાં બેંગલુરુ ટોપ-2માં યથાવત
IPL 2026ની 67મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદએ પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપ્પલ સ્ટેડિયમ ખાતે શાનદાર પ્રદર્શન કરતા RCBને 55 રનથી પરાજય આપ્યો છે. રનથી ભરપૂર આ હાઈ-સ્કોરિંગ મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોએ આક્રમક બેટિંગ નમૂનો પેશ કર્યો હતો. જોકે, આ મોટી હાર છતાં નેટ રન રેટના આધારે RCB પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2માં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે.
મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે એકદમ સાચો સાબિત થયો. હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને 255 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. RCB તરફથી રસિખ સલામે 2 વિકેટ ઝડપી હતી, પરંતુ જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમાર જેવા સિનિયર બોલરો ઘણા મોંઘા સાબિત થયા હતા.
જવાબમાં RCB 200 રન જ બનાવી શકી
256 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ પાવરપ્લેમાં આક્રમક શરૂઆત બાદ મધ્યમ ઓવરોમાં લય ગુમાવી બેઠી હતી. RCBની ટીમ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 200 રન જ બનાવી શકી હતી. SRH તરફથી શાનદાર બોલિંગ કરતા એશાન મલિંગાએ 4 ઓવરમાં 33 રન આપીને 2 મહત્વની વિકેટો ઝડપી હતી, જ્યારે સાકિબ હુસૈનને 1 વિકેટ મળી હતી.
આ મેચમાં હારવા છતાં RCB માટે એક રાહતના સમાચાર આવ્યા છે. પ્લેઓફની રેસમાં ટોપ-2માં સ્થાન પાક્કું કરવા માટે બેંગલુરુને આ મેચમાં ગમે તે ભોગે 166 રનનો આંકડો પાર કરવાનો હતો. RCBએ 20 ઓવરમાં 200 રન બનાવી લેતા, તેઓ મેચ ભલે હારી ગયા પરંતુ તેમનો નેટ રન રેટ (+0.783) હજુ પણ હૈદરાબાદ (+0.524) કરતા ઘણો સારો છે. આ જ કારણે RCB ઓફિશિયલી ટેબલમાં ટોપ-2માં યથાવત રહ્યું છે, જે તેમને પ્લેઓફમાં ક્વાલિફાયર-1 રમવાની બે તક આપશે.
