U23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ: વિયેતનામમાં ભારતીય કુસ્તીબાજોનો સુવર્ણ દબદબો
Live TV
-
U23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ: વિયેતનામમાં ભારતીય કુસ્તીબાજોનો સુવર્ણ દબદબો
વિયેતનામના દા નાંગ ખાતે આયોજિત અંડર-23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજોએ પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખીને દેશનું નામ રોશન કર્યું છે. ફ્રીસ્ટાઈલ અને મહિલા વર્ગની વિવિધ કેટેગરીમાં ભારતના જાંબાઝ રેસલર્સે વિરોધીઓને પરાસ્ત કરીને એક જ દિવસમાં ગોલ્ડ મેડલની વણઝાર લગાવી દીધી છે.
અક્ષય અને વિકીની દિલધડક મેચ: પુરુષ વર્ગમાં બે સુવર્ણ ચંદ્રક
પુરુષોની ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં ભારતીય કેમ્પમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતના અક્ષયે 57 કિગ્રા વજન વર્ગમાં કઝાકિસ્તાનના મજબૂત હરીફ યેલેમાન અમાંગેલ્ડીને 4-2 થી માત આપીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. તો બીજી તરફ 97 કિગ્રા વજન વર્ગમાં વિકીએ ઉઝબેકિસ્તાનના શેરઝોદ પોયોનોવ સામે એક અત્યંત રોમાંચક મુકાબલામાં 7-5 થી વિજય મેળવીને ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
મહિલા કુસ્તીબાજોનો પણ દબદબો: મુસ્કાન અને તાપસ્યા ચેમ્પિયન
મહિલા કેટેગરીમાં પણ ભારતીય વિમેન્સ બ્રિગેડે મેટ પર સપાટો બોલાવ્યો હતો. ફાઇનલ મેચમાં મુસ્કાને યજમાન વિયેતનામની સ્થાનિક ખેલાડી માઇ લિન્હ ન્ગુયેન પર શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું હતું અને 6-2 ના સ્કોરથી શાનદાર વિજય મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. 57 કિગ્રા શ્રેણીની ફાઇનલમાં તાપસ્યાએ વન-સાઇડેડ ગેમ રમી હતી. તેણે કઝાકિસ્તાનની અલ્ટીન શાગાયેવા સામે 4-0 ની મજબૂત લીડ મેળવ્યા બાદ 'વિક્ટરી બાય ફોલ' (ચત્તોપાત) કરીને ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો જમાવ્યો હતો.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ની પ્રતિક્રિયા:
ભારતીય કુસ્તીબાજોના આ ઐતિહાસિક પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરતા ફેડરેશનના પ્રમુખ સંજય સિંહે જણાવ્યું કે, "એશિયન સ્ટેજ પર આ પ્રકારનું પ્રદર્શન દર્શાવે છે કે ભારતીય કુસ્તીનું ભવિષ્ય અત્યંત સુરક્ષિત હાથોમાં છે. સમગ્ર ટીમે દેશને ગૌરવ અપાવ્યું છે."
આ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનું આ પ્રદર્શન આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે મોટો આત્મવિશ્વાસ પુરો પાડશે.
