T20 વર્લ્ડ કપમાં શાનદાર જીત, ન્યૂઝીલેન્ડને હરાવી ભારત ત્રીજીવાર વિશ્વવિજેતા બની
Live TV
-
ભારતની યુવા બ્રિગેડે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઈતિહાસ રચી દીધો છે. ટી20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રને કચડી નાખીને રેકોર્ડ ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. આ જીત સાથે ભારત પોતાની ધરતી પર ટી20 વર્લ્ડ કપ જીતનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
ભારતની યુવા બ્રિગેડે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઈતિહાસ રચી દીધો છે. ટી20 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રને કચડી નાખીને રેકોર્ડ ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. આ જીત સાથે ભારત પોતાની ધરતી પર ટી20 વર્લ્ડ કપ જીતનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
રનનો પહાડ: ભારતનો આક્રમક અંદાજ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત તોફાની રહી હતી. ઓપનર અભિષેક શર્મા (21 બોલમાં 52 રન) અને સંજુ સેમસને માત્ર 7.1 ઓવરમાં 98 રનની ભાગીદારી કરી કીવી બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. ભારતે પાવરપ્લેની 6 ઓવરમાં 92 રન ફટકારી નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા હતા, જે વર્લ્ડ કપના ઈતિહાસમાં નોકઆઉટ મેચનો સૌથી મોટો સ્કોર છે. ઈશાન કિશને પણ 25 બોલમાં 54 રનની આક્રમક ઈનિંગ રમી હતી, જ્યારે અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ માત્ર 8 બોલમાં અણનમ 26 રન ઝૂડી કાઢ્યા હતા.રેકોર્ડબ્રેક સંજુ સેમસન
T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સંજુ સેમસન હીરો સાબિત થયો હતો. તેણે 46 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 89 રન ફટકાર્યા હતા. આ સાથે જ તેણે અનેક રેકોર્ડ્સ તોડ્યા. જેમાં એક જ વર્લ્ડ કપમાં 321 રન બનાવી વિરાટ કોહલીનો 319 રનનો રેકોર્ડ તોડ્યો. એટલું જ નહીં માર્લોન સેમ્યુઅલ્સના 85 રનનો રેકોર્ડ તોડી ફાઈનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવ્યો. સાથે જ આ ટુર્નામેન્ટમાં કુલ 24 છગ્ગા મારી સૌથી વધુ છગ્ગા ફટકારવાનો કિર્તીમાન પણ પોતાના નામે કરી લીધો.બોલરોનો કહેર: ન્યૂઝીલેન્ડ 159માં ઓલઆઉટ
256 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી. જસપ્રીત બુમરાહે ફરી એકવાર સાબિત કર્યું કે તે કેમ સર્વશ્રેષ્ઠ છે, તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપી 4 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે પણ 27 રન આપીને 3 મહત્વની વિકેટો લીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સીફર્ટે 52 રન અને કેપ્ટન સેન્ટનરે 43 રન બનાવ્યા હતા, પરંતુ સતત પડતી વિકેટોને કારણે આખી ટીમ 19 ઓવરમાં 159 રનમાં સમેટાઈ ગઈ હતી.પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ પાઠવ્યા અભિનંદન
ભારતની આ ઐતિહાસિક જીત બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "ચેમ્પિયન્સ! આ જીત તમારી અદ્ભુત કુશળતા અને ટીમ વર્કનું પરિણામ છે. દરેક ભારતીય આજે ગર્વ અનુભવી રહ્યો છે." ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓએ પણ આ જીતને ભારતીય રમતગમતનો સુવર્ણ યુગ ગણાવ્યો હતો.
