T20 વર્લ્ડ કપ: આખરે પાકિસ્તાન ઝૂક્યું! જાણો કેમ લેવો પડ્યો યુ-ટર્ન
Live TV
-
T20 વર્લ્ડ કપ: આખરે પાકિસ્તાન ઝૂક્યું! ભારત સામે રમાશે 'મહામુકાબલો', જાણો કેમ લેવો પડ્યો યુ-ટર્ન
છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર મંડરાઈ રહેલા સંકટના વાદળો હવે દૂર થયા છે. પાકિસ્તાન સરકારે ભારે નાટકીય વળાંક બાદ આખરે 15 ફેબ્રુઆરીએ યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં પોતાની ટીમને મેદાનમાં ઉતારવા લીલી ઝંડી આપી દીધી છે.
શું હતો આખો વિવાદ?
અગાઉ પાકિસ્તાન સરકારે બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશની ટીમને ટુર્નામેન્ટમાંથી બહાર રાખવાને કારણે પાકિસ્તાન રોષે ભરાયું હતું અને ૧૫ ફેબ્રુઆરીની મેચ ન રમવા માટે મક્કમ હતું.
કેમ લેવો પડ્યો યુ-ટર્ન?
પાકિસ્તાનના આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો હતો. નીચેના કારણોસર પાકિસ્તાને નમતું જોખવું પડ્યું. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તેઓ મેચ નહીં રમે તો તેમના પર ભારે આર્થિક દંડ અને પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. શ્રીલંકા, યુએઈ અને ખુદ બાંગ્લાદેશે પણ પાકિસ્તાનને મેચ રમવા માટે અનુરોધ કર્યો હતો જેથી ક્રિકેટના અર્થતંત્રને નુકસાન ન થાય. લાહોરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે રમતગમતના હિતમાં મેચ રમવાની મંજૂરી આપી છે.
15 ફેબ્રુઆરીએ જંગ જામશે
હવે સત્તાવાર રીતે નક્કી થઈ ગયું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો તેના નિર્ધારિત સમય અને કાર્યક્રમ મુજબ જ યોજાશે. "ક્રિકેટની ભાવના અને વૈશ્વિક રમતની સાતત્ય જાળવી રાખવા માટે પાકિસ્તાન ટીમ ભારત સામે મેદાનમાં ઉતરશે." - પાકિસ્તાન સરકારનું નિવેદન
