T20 વર્લ્ડ કપ 2026: આજે ભારત અને શ્રીલંકામાં ત્રણ રોમાંચક મુકાબલા
Live TV
-
T20 વર્લ્ડ કપ 2026: આજે ભારત અને શ્રીલંકામાં ત્રણ રોમાંચક મુકાબલા
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં આજે ક્રિકેટ પ્રેમીઓને ત્રણ મહત્વના મુકાબલા જોવા મળશે. દિવસની શરૂઆત દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં થશે, જ્યાં સવારે 11:00 વાગ્યે નેધરલેન્ડ્સ અને નામિબિયા વચ્ચે ટક્કર થશે. ત્યારબાદ બપોરે 3:00 વાગ્યે ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સામસામે ટકરાશે. દિવસની છેલ્લી અને હાઈ-વોલ્ટેજ મેચ સાંજે 7:00 વાગ્યે કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ખાતે પાકિસ્તાન અને યુનાઇટેડ સ્ટેટ્સ (USA) વચ્ચે રમાશે, જેમાં પાકિસ્તાન 2024ના પરાજયનો બદલો લેવા મેદાને ઉતરશે.
ગઈકાલના પરિણામોની વાત કરીએ તો, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ-Dની નવમી મેચમાં દક્ષિણ આફ્રિકાએ કેનેડાને 57 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાં ધમાકેદાર શરૂઆત કરી છે. એડન માર્કરામની અર્ધસદી (59 રન) અને લુંગી નગિડીની ઘાતક બોલિંગ (4 વિકેટ)ના જોરે પ્રોટિયાઝ ટીમે આ જીત મેળવી હતી. આ અગાઉ, કોલંબોમાં રમાયેલી ગ્રુપ-Bની મેચમાં ઝિમ્બાબ્વેએ ઓમાનને 8 વિકેટે પરાજય આપ્યો હતો. ઝિમ્બાબ્વેના બોલરોએ ઓમાનને માત્ર 103 રનમાં ઓલઆઉટ કર્યા બાદ બેટ્સમેનોએ સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
