આ વર્ષે જાન્યુઆરીમાં EPFOએ 17.89 લાખ ચોખ્ખા સભ્યો ઉમેર્યા
Live TV
-
ડિસેમ્બર, 2024 દરમિયાન, ઈપીએફઓ એ 16.05 લાખ સભ્યો ઉમેર્યા હતા.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) એ, જાન્યુઆરીમાં ચોખ્ખા 17.89 લાખ સભ્યો ઉમેર્યા, જેમાંથી 2.17 લાખ મહિલાઓ હતી. અગાઉ, ડિસેમ્બર, 2024 દરમિયાન, ઈપીએફઓ એ 16.05 લાખ સભ્યો ઉમેર્યા હતા. વાર્ષિક ધોરણે આ 11.67 ટકાનો વધારો છે, જ્યારે ડિસેમ્બર 2024 ની સરખામણીમાં, તે 11.48 ટકાનો વધારો છે. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી મહિનામાં લગભગ 8.23 લાખ નવા સભ્યો નોંધાયા હતા, જે જાન્યુઆરી 2024 માં નોંધાયેલા નવા સબ્સ્ક્રાઇબર્સની સંખ્યાની તુલનામાં વાર્ષિક 1.87 ટકાનો વધારો છે. આ સમયગાળા દરમિયાન ઉમેરાયેલા કુલ નવા સભ્યોમાં, આ શ્રેણીનો હિસ્સો 57.07 ટકા હતો, જેમાં 18 થી 25 વર્ષની વય જૂથના 4.70 લાખ સભ્યો હતા. આ દર્શાવે છે કે, દેશના સંગઠિત ક્ષેત્રના કાર્યબળમાં જોડાનારા મોટાભાગના સભ્યો યુવાન છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં ઈપીએફઓ યોજનાઓ છોડી દેનારા લગભગ 15.03 લાખ સભ્યો પાછા ફર્યા છે. આ આંકડો જાન્યુઆરી 2024 ની સરખામણીમાં 23.55 ટકાનો નોંધપાત્ર વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. માહિતી અનુસાર, જાન્યુઆરી મહિના દરમિયાન ઉમેરાયેલા કુલ નવા સભ્યોમાંથી લગભગ 2.17 લાખ મહિલાઓ છે. જાન્યુઆરી 2024 ની સરખામણીમાં આ આંકડો 6.01 ટકાનો નોંધપાત્ર વાર્ષિક વધારો દર્શાવે છે. રાજ્યવાર ડેટા દર્શાવે છે કે, પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 10.73 લાખ સભ્યો ઉમેરાયા છે. આ જાન્યુઆરીમાં ઉમેરાયેલા કુલ સભ્યોના આશરે 59.98 ટકા છે. આ રાજ્યોમાં, મહારાષ્ટ્ર 22.77 ટકાના હિસ્સા સાથે આગળ છે. જાન્યુઆરી મહિના દરમિયાન મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાએ કુલ પગારપત્રકમાં વ્યક્તિગત રીતે 5 ટકાથી વધુ યોગદાન આપ્યું હતું.