ફેબ્રુઆરીમાં દેશનું GST કલેક્શન 12.5% વધીને રૂ. 1 લાખ 68 હજાર કરોડને પાર પહોંચ્યું
Live TV
-
ફેબ્રુઆરી 2024 માટે GST કલેક્શન અત્યાર સુધીનું ત્રીજું સૌથી મોટું માસિક કલેક્શન
ફેબ્રુઆરી મહિનામાં દેશમાં 1,68,337 કરોડ રૂપિયાનું GST ક્લેકશન થયું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં GST કલેક્શન કરતાં 12.5% વધુ છે. GST કલેક્શનમાં આ વધારા પાછળનું કારણ સ્થાનિક વ્યવહારોમાં 13.5%નો વધારો છે. આ ઉપરાંત, માલ-સામાનની આયાતથી મળતો GST 8.5% વધ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં નેટ GST કલેક્શન 1 લાખ 51 હજાર કરોડ રૂપિયા હતું. વર્ષ 2023-24માં સરેરાશ માસિક GST કલેક્શન 1 લાખ 67 હજાર કરોડ રૂપિયા છે, જે ગયા નાણાકીય વર્ષમાં 1 લાખ 50 હજાર કરોડ રૂપિયા માસિક હતું.
ફેબ્રુઆરીનું કલેક્શન ત્રીજું સૌથી મોટું માસિક કલેક્શન
નોંધનીય છે કે જાન્યુઆરીમાં વસૂલવામાં આવેલી GSTની રકમ અત્યાર સુધીની બીજી સૌથી મોટી રકમ હતી. અત્યાર સુધીના માસિક ડેટા અનુસાર એપ્રિલ 2023માં સૌથી વધુ 1.87 લાખ કરોડ રૂપિયાનો GST એકત્ર થયો હતો. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં રૂ. 1.74 લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું હતું, જે ગયા વર્ષના સમાન મહિનામાં એટલે કે, જાન્યુઆરી 2023માં રૂ. 1.56 લાખ કરોડના GST કલેક્શન કરતાં 10.4% વધુ છે. આ સંદર્ભમાં ફેબ્રુઆરી 2024 માટે જીએસટી કલેક્શન અત્યાર સુધીનું ત્રીજું સૌથી મોટું માસિક કલેક્શન છે.