અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬૧ મું અંગદાન
Live TV
-
પિતા એ વ્હાલસોઇ દિકરીના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યુ.અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા) દ્વારા દિકરીના પિતાને અંગદાન અંગે પ્રોત્સાહિત કરતા પિતાએ વ્હાલસોઇ દીકરીના અંગદાનનો નિર્ણય કર્યો.સિવિલ હોસ્પિટલમાં ૧૬૧માં અંગદાન થકી એક લીવર, બે કીડની , બે આંખો ( કોર્નિયા) તથા સ્કીનના અંગદાન સાથે કુલ ત્રણ અંગો અને ત્રણ પેશીઓનું દાન મળ્યું
રાજ્યની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજે ૧૬૧ મું અંગદાન થયું.કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત મોમાયનગર ખાતે રહેતા જગદીશભાઇ રાજગોરની ૨૪ વર્ષીય દીકરી જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા તારીખ ૧૯/૦૮/૨૦૨૪ ના રોજ સઘન સારવાર અર્થે કચ્છ થી સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૨૧-૦૮-૨૦૨૪ના રોજ ડોક્ટરોએ જીનલને બ્રેઈન ડેડ જાહેર કરી. ઉક્ત અંગદાનમાં વિષેશ વાત એ હતી કે , દર્દી જીનલ અને તેનું પરીવાર કચ્છનું હોવાથી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા) કે જેમની કર્મભુમી પણ કચ્છ રહી છે તેમને કોઇક રીતે આ અંગે જાણ થતા તેમણે સિવિલ હોસ્પિટલ આવી પોતે જીનલ ના પિતા સાથે વાત કરી તેમને અંગદાન વિશે સમજાવ્યા .
વધુમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી આજે ઘણા લોકો આ વિશે જાગ્રુત થયા છે જેના પરીણામે જ આ બ્રેઇન ડેડ દીકરી જીનલના પરીવારના નજીક ના સગા માં અને પોલીસ વિભાગમાં કાર્યરત એવા સ્નેહાબેનના પ્રયાસો અને સમજણથી જગદીશભાઇ પોતાની દીકરીના બ્રેઇન ડેડ હોવાની વાતને સમજી અને સ્વીકારી શક્યા અને પોતાની દીકરી જેવી બીજી કોઇ દીકરી કે અન્ય જરુરીયાતમંદની જીંદગી બચાવવા અંગદાન કરવાનો નિર્ણય લઇ શક્યા.અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે , જીનલના અંગદાનથી મળેલ બે કિડની, એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે .
આંખોને સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલમાં આઇ બેંકમાં સ્વીકારવામાં આવ્યું. મળેલ સ્કીનને સિવિલ હોસ્પિટલની સ્કીન બેંકમાં રાખી દાઝેલા કે અન્ય જરુરીયાતમંદ દર્દીમાં ગ્રાફ્ટ કરવામાં આવશે.આમ આ અંગદાન થી કુલ ત્રણ થી ચાર લોકોની જીંદગી આપણે બચાવવામા સફળતા મળશે. તેમજ બે લોકો ને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છીએ.સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૧ અંગદાતાઓ થકી કુલ ૫૨૦ અંગો તેમજ પાંચ સ્કીન નું દાન મળેલ છે. જેના થકી ૫૦૪ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.