Skip to main content
Settings Settings for Dark

આઈ.આઈ.એમ. અમદાવાદ કેમ્પસમાં બે દિવસીય ડાક ટિકિટ પ્રદર્શની ‘સ્ટેમ્પ ફિયેસ્ટા-2025’ નું ઉદ્ઘાટન પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું

Live TV

X
  • શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં ફિલેટલીનું મહત્વનું યોગદાન છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

    ડાક ટિકિટ એ કોઈપણ દેશની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાના વાહક છે. ડાક વિભાગ દ્વારા ડાક સેવાના ક્ષેત્રમાં ઘણા નવા પગલા લેવામાં આવી રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય યુવાનોમાં સર્જનાત્મકતાના વિકાસની સાથે એ પણ છે કે યુવાનો આ ડાક ટિકિટો દ્વારા વિવિધ સમકાલીન વિષયો, ઘટનાઓ, દેશના વ્યક્તિત્વો, જૈવવિવિધતા વગેરેથી પરિચિત થઈ શકે. શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં ફિલેટલીનું મહત્વનું યોગદાન છે.ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે 29 માર્ચના રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદના ઓલ્ડ બિલ્ડીંગ કેમ્પસ ખાતે બે દિવસીય ફિલાટેલિક પ્રદર્શન 'સ્ટેમ્પ ફિએસ્ટા-2025'નું ઉદ્ઘાટન કરતી વખતે ઉપરોક્ત વિચારો વ્યક્ત કર્યા. પ્રદર્શનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સહિત વિવિધ મહાપુરુષો, ભારતીય સ્વતંત્રતા ચળવળ, ગુજરાતની સમૃદ્ધ વારસાગત સંસ્કૃતિ હેન્ડલૂમ અને હેરિટેજના પ્રતિક રૂપે તેમજ રામાયણના વિવિધ પાસાઓ પર બહાર પાડવામાં આવેલી ડાક ટિકિટોએ લોકોનું ધ્યાન ખેંચ્યું. આ પ્રસંગે I.I.M, અમદાવાદના વિદ્યાર્થીઓએ સ્ટેમ્પ ફિયેસ્ટાની મુલાકાત લીધી હતી અને વિવિધ સ્ટેમ્પ વિશે જાણકારી મેળવી હતી. ફિલેટ્લી ડિપોઝીટ એકાઉન્ટ, માય સ્ટેમ્પ, દીન દયાલ સ્પર્શ સ્કોલરશીપ સ્કીમ, ઢાઈ અખર લેટર રાઈટિંગ કોમ્પીટીશન વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. માય સ્ટેમ્પ હેઠળ, પોસ્ટેજ સ્ટેમ્પમાં હવે લોકોના ફોટોગ્રાફ્સ પણ હોઈ શકે છે.

    પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું  કે ડાક ટિકિટ ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. સમાજમાં થઈ રહેલા દૈનિક વિકાસને ડાક ટિકિટોના અરીસામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ડાક ટિકિટ સંગ્રહ " કિંગ ઓફ હોબી અને હોબી ઓફ કિંગ " તરીકે ઓળખાય છે, જેમાં જો કોઈ રસ ધરાવતું હોય, તો તે વિવિધ વિષયો પર ડાક ટિકિટો એકત્રિત કરી શકે છે. દરેક ડાક ટિકિટ પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે અને આજની યુવા પેઢીને આ વાર્તા સાથે જોડવાની જરૂર છે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું  કે ગુજરાતની ભૂમિ પર જન્મેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ વિશ્વને બતાવેલો માર્ગ આજે મેનેજમેન્ટ માટે અભ્યાસ અને સંશોધનનો વિષય બની ગયો છે. આ જ કારણ છે કે મહાત્મા ગાંધી પર વિશ્વમાં સૌથી વધુ ડાક ટિકિટો બહાર પાડવામાં આવી છે.

    પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સંદેશાવ્યવહારના બદલાતા યુગમાં, આજની યુવા પેઢી સોશિયલ મીડિયાને વધુ પ્રાધાન્ય આપી રહી છે, પરંતુ યુવાનોએ ચોક્કસપણે ફિલેટલી સાથે જોડાવવું જોઈએ, આનાથી તેમના સામાન્ય જ્ઞાનમાં પણ ઘણો વિકાસ થશે. આ સંદર્ભમાં, એક નવીન પહેલ તરીકે, ટપાલ વિભાગ વિવિધ શાળાઓમાં ડાક ટિકિટ ક્લબ ખોલી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓમાં ડાક ટિકિટ સંગ્રહ પ્રત્યે રસ કેળવી શકાય. આનાથી વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં પણ ફાયદો થશે. શિક્ષણ પ્રણાલીના મુખ્ય પ્રવાહમાં ફિલેટલીને પ્રોત્સાહન આપવા માટે, ડાક વિભાગ દ્વારા 6 થી 9 ધોરણના બાળકો માટે 6000/- રૂપિયાની વાર્ષિક "દીન દયાલ સ્પર્શ શિષ્યવૃતિ યોજના" પણ આરંભ કરવામાં આવી છે.

    અમદાવાદ સીટી મંડળના પ્રવર અધિક્ષક વિકાસ પાલવેએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં સ્ટેમ્પ સંગ્રહ પ્રત્યે રસ વિકસાવવા માટે ડાક વિભાગ વિવિધ શાળાઓમાં ફિલેટેલી ક્લબ ખોલી રહ્યું છે. 'સ્ટેમ્પ ફિએસ્ટા' જેવા પ્રદર્શનોનો ઉદ્દેશ્ય મેનેજમેન્ટ સાથે સંકળાયેલા યુવાનો અને વિદ્યાર્થીઓને ડાક ટિકિટના વિવિધ પાસાઓનો ઉજવણીત્મક રીતે પરિચય કરાવવાનો છે. આઈ. આઈ. એમ. ના દીક્ષાંત સમારોહમાં આવનારા બધા વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાઈ શકશે.

    આ પ્રસંગે અમદાવાદ સીટી મંડળના પ્રવર અધિક્ષક વિકાસ પાલવે, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી એસ. ઓફ. વર્મા, આઈ.આઈ. એમ.  પ્રોફેસર સંજય વર્મા, સહાયક ડાક અધિક્ષક અલ્કેશ પરમાર, હાર્દિક રાઠોડ, એસ. એન. ઘોરી, ફિલેલિસ્ટ વિજય નવલખા, આઈ.આઈ.એમ. ના  પોસ્ટમાસ્ટર કૃતિ મહેતા, આઈ.પી.પી.બી. આસિસ્ટન્ટ મેનેજર મલિહા મિંતો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-04-2025 Max Temp : °C Min Temp : °C
apply