કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજનું અનાવરણ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ, ખોડિયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2016માં સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. 867 કરોડના બજેટની 6 ફલાય ઓવર માટે ફાળવણી થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખોડિયાર કન્ટેનર જંકશન બ્રિજનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. 6 લેન બ્રિજથી ટ્રાફિકની સમસ્યા હવે હળવી થઈ જશે. 17 કરોડના ખર્ચે આ ફલાય ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચિલોડા-ગાંધીનગર-સરખેજ સુધીના આ બ્રિજના નિર્માણથી સમયની પણ બચત થશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આ કાર્યનું કામ પૂર્ણ થઈ જતા જનતા માટે રાહતનાં સમાચાર છે. આ ઓવરબ્રિજ નેશનલ હાઇવે-147 પર બનાવવામાં આવ્યો છે.
આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર, સાંસદ નરહરી અમીન, સહિત ધારાસભ્યઓ, SGVPના સંતો, ભાજપ ગુજરાત પ્રદેશના હોદ્દેદારો, મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. 6 પૈકી 4 ફલાઇ-ઓવર હવે બનીને તૈયાર થઈ ગયા છે. અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય 45 મિનિટથી ઓછો થઈને 20થી 25 મિનિટનો થશે.
