ગરીબ પરિવારોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
ગરીબ પરિવારોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવવા મુખ્યમંત્રી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું છે કે,રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવવવા માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે આવતીકાલથી રાજયવ્યાપી લોકદરબારનું આયોજન કરાયું છે, જેમાં રાજય પોલીસદળના ઉચ્ચ અધિકારીઓ નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરશે અને ગેરકાયદે વ્યાજ વસુલતા કસુરવારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ઉમેર્યું કે, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં જરૂરતમંદ નાગરિકોને મહત્તમ લાભ લેવા રાજય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી. મળેલી સફળતાના પરિણામે હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો (Money Lender) વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે. આ મુહિમમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં આ મુહિમ થકી ગુજરાતના અનેક પરિવારોને આ વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત થવાની એક તક પુરી પાડી છે. આવનારા એક અઠવાડિયામાં આ મુહિમ વધુ ઝડપી અને વેગવાન બનાવીને અસરકારક રીતે અમલી કરાશે. આ માટે રાજયના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા તેમણે સૂચનાઓ પણ આપી છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત પોલીસના તમામ સીનીયર અધિકારીઓ જેવા કે પીઆઈ, ડીવાયએસપી, ડીએસપી અને મહાનગર હોય તો કમિશ્નર સુધીના અધિકારીઓ પોતે અલગ અલગ વિસ્તારમાં જાય અને સામાન્ય નાગરિકે પોલીસ મથકે જઈને ફરિયાદ ના આપવી પડે તે માટે ગુજરાત પોલીસ મુહિમ શરુ કરશે.આવતીકાલથી સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે. લોક દરબારમાં જાહેરમાં ફરિયાદ લઈને આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે. તેમણે ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી કરતા કહ્યું કે, કોઈ પણ વ્યાજખોરની હેરાનગતિ હોય કે ત્રાસ હોય તો કોઈ પણ જાતનો ડર રાખતા નહીં. આ તમામ લોકોને પહોંચી વળવા માટે પોલીસ સદાય તત્પર છે અને રહેશે જ.
