ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ACB અધિકારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ACBના અધિકારી-કર્મચારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, જે આપણા હકનું નથી તે કોઈ પાસેથી યેનકેન પ્રકારે મેળવવું કે પડાવી લેવું તે ધાર્મિક, આધ્યાત્મિક અને કાયદાકીય બધી જ રીતે ગુનો છે. આવા લોકોને ખુલ્લા પાડીને કે નશ્યત કરીને સમાજમાં દાખલો બેસાડવાની ભૂમિકા ACB કરે છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સુખની વ્યાખ્યા માત્ર ભૌતિક સુખ સગવડની જ નથી, આંતરિક સુખ જ સાચું સુખ છે. આજના સમયમાં ભૌતિક સુખની પાછળ મનુષ્ય રચ્યો-પચ્યો રહે છે. સુખની આવી અપેક્ષા પૂરી કરવા તેને આવકના અન્ય ઉપાયો, આવક મેળવવાના ખોટા રસ્તા કે હથકંડા અપનાવવા ની નોબત આવે છે.
મુખ્યમંત્રીએ ACBના અધિકારીઓને પ્રોત્સાહિત કરતા ઉમેર્યું હતું કે, ખોટું કરનારાને સજા તો થાય છે જ ત્યારે આપણે પણ સરકારના નિયમો પાળીએ અને અન્ય પાસે પણ પળાવીએ તે જરૂરી છે.
રાજ્યની સ્કૂલના બાળકો પણ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં જોડાય તે હેતુથી લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા 'ભ્રષ્ટાચારની પોલ ખોલો' વિષય પર એક નિબંધ સ્પર્ધાનું આયોજન સતર્કતા સપ્તાહ અંતર્ગત કરવામાં આવ્યું હતું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પ્રથમ ત્રણ નિબંધ લેખન વિજેતા વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે આ શિબિરમાં સન્માન કરવામાં આવ્યું હતું.
'ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ'ના ધ્યેય મંત્ર સાથે યોજાયેલી આ ચિંતન શિબિરમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, તકેદારી આયોગ કમિશનર સંગીતા સિંઘ સહિત રાજ્યભરના એન્ટી કરપ્શન બ્યુરો - ACBના ઉચ્ચ અધિકારીઓ- અધિકારીઓ, વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.