Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના SC બહુમતી ધરાવતા ગામડાઓમાં 100% ઘરો સુધી પહોંચ્યું નળ કનેક્શન

Live TV

X
  • SC બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 6,000 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા 68,000થી વધુ ઘરોને મળ્યું ‘નલ સે જલ’ કનેક્શન, ગ્રામીણ વિસ્તારોમાં ‘નલ સે જલ’ યોજના માટે રાજ્ય સરકારે કર્યો રૂપિયા 412 કરોડનો ખર્ચ

    ગાંધીનગર, 29 માર્ચ: રાજ્યના SC બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 100% ઘરો સુધી નળ કનેક્શન પહોંચ્યું છે. રાજ્યના SC બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 6,000 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા 68,000થી વધુ ઘરોને ‘નલ સે જલ’ કનેક્શન મળ્યું છે. અનુસૂચિત જાતિ બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં ‘નલ સે જલ’ યોજના માટે રાજ્ય સરકારે રૂપિયા 412 કરોડનો ખર્ચ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "હર ઘર જલ" સંકલ્પમાં ગુજરાતનું મોટું યોગદાન રહેલું છે. PM મોદીના માર્ગદર્શનમાં, જલ જીવન મિશન (JJM) અંતર્ગત એક નોંધપાત્ર સિદ્ઘિ હાંસલ થઈ છે. હવે ગ્રામીણ ભારતમાં 172 લાખથી વધુ અનુસૂચિત જાતિ (SC) ઘરોમાં નળ જોડાણથી પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થયું છે. આ સિદ્ધિ દરેક નાગરિક માટે પાણીને મૂળભૂત અધિકાર અને આવશ્યક સંસાધન તરીકે સુનિશ્ચિત કરવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ અંગેની માહિતી તાજેતરમાં લોકસભામાં કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી વી. સોમન્નાએ આપી હતી.

    દેશના SC બહુમતી ધરાવતા ગ્રામીણ ક્ષેત્રોમાં 80% ઘરો સુધી પહોંચ્યું નળ કનેક્શન

    ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2019થી ભારત સરકારે રાજ્યોના સહયોગથી જલ જીવન મિશન (JJM) યોજના લાગુ કરી છે, જેમાં અગાઉના નેશનલ રુરલ ડ્રિંકિંગ વૉટર પ્રોગ્રામ (NRDWP)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મિશનનું લક્ષ્ય દરેક ગ્રામીણ પરિવાર, ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC) પરિવારોને 55 લિટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિન (lpcd) BIS:10500 ગુણવત્તા ધરાવતું શુદ્ધ પીવાનું પાણી ફંક્શનલ ટૅપ કનેક્શન (કાર્યાત્મક નળ જોડાણ)ના માધ્યમથી ઉપલબ્ધ કરાવવાનું છે. SC બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોને પ્રાથમિકતા આપવા માટે, JJM ફંડ ફાળવણીમાં 10% વેઇટેજ આપવામાં આવ્યું છે.

    કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી વી. સોમન્નાના કહ્યા અનુસાર, 17 માર્ચ 2025 સુધીમાં, દેશના અનુસૂચિત જાતિ બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 215 લાખથી વધુ ગ્રામીણ પરિવારોમાંથી 172 લાખથી વધુ (80.12%) પરિવારોને નળ કનેક્શન મળી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પણ દેશના એવા અગ્રેસર રાજ્યોની યાદીમાં સામેલ છે જેમણે SC બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 100% ‘નલ સે જલ’ કવરેજ પ્રાપ્ત કર્યું છે.

    412 કરોડના ખર્ચે 6,000 કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવી

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યના SC બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 100% ઘરોમાં નળ કનેક્શન સુનિશ્ચિત કરવા માટે જલ જીવન મિશન હેઠળ 412 કરોડના ખર્ચે 6000 કિલોમીટર લાંબી પાઇપલાઇન પાથરવામાં આવી છે. આ પાઇપલાઇનના માધ્યમથી રાજ્યના 68,000થી વધુ SC ગ્રામીણ ઘરોને નળથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થયું છે.

    આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં રાજ્ય સરકારના પાણી વિતરણ વિભાગ હેઠળ સંચાલિત સંસ્થા WASMO (વૉટર એન્ડ સેનિટેશન મૅનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન)ની ભૂમિકા પણ મહત્ત્વની છે. WASMO ગ્રામીણ પાણી સમિતિઓ સાથે મળીને આંતરિક જળ પાણી પુરવઠા યોજનાઓ તૈયાર કરે છે, જેથી SC સમુદાયના દરેક ઘરમાં કાર્યક્ષમ નળ કનેક્શન સુનિશ્ચિત કરી શકાય. 

    રાજ્ય સરકારની સંવેદનશીલ પહેલ

    રાજ્યના અનુસૂચિત જાતિ બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 100% નળથી જળ પુરવઠાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે, ગુજરાત સરકારે એક સંવેદનશીલ પહેલ કરી અને પ્રોજેક્ટના કુલ ખર્ચમાં સમાવિષ્ટ 10% સામુદાયિક ફાળો (કમ્યુનિટી કૉસ્ટ કૉન્ટ્રિબ્યુશન) માફ કર્યો. આ ખર્ચ સંપૂર્ણપણે રાજ્ય સરકારે ઉઠાવ્યો હતો, જેથી આર્થિક રીતે નબળા પરિવારો પર કોઈ વધારાનો બોજ ન પડે અને તેઓ સ્વચ્છ પાણીની સુવિધાનો લાભ સરળતાથી મેળવી શકે.

    જલ જીવન મિશનની વ્યાપક અસર: ગ્રામીણ ભારતમાં જળ સમાનતા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત સાર્વત્રિક પાણી પુરવઠાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને તમામ નાગરિકો માટે સ્વચ્છ પીવાના પાણીની સમાન પહોંચ સુનિશ્ચિત કરી રહ્યું છે. આ સંદર્ભમાં, જલ જીવન મિશન હેઠળ અનુસૂચિત જાતિ (SC) પરિવારોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું એ માત્ર મૂળભૂત સુવિધાઓનું વિસ્તરણ નથી, પરંતુ સામાજિક સમાનતા અને ગ્રામીણ વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું પણ છે.

    તેવી જ રીતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના સશક્તિકરણને પ્રાથમિકતા આપી રહી છે. રાજ્યના અનુસૂચિત જાતિ બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 100% નળથી જળનો પુરવઠો સુનિશ્ચિત કરવો એ આ પ્રતિબદ્ધતાનું એક મજબૂત ઉદાહરણ છે, જે સમાવેશી વિકાસ અને જીવનની ગુણવત્તા સુધારવાના રાજ્યના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-04-2025 Max Temp : °C Min Temp : °C
apply