ગુજરાતમાં ભારે વરસાદથી 336 રસ્તાઓ બંધ, PMએ CM સાથે વાત કરી જાણી સ્થિતિ
Live TV
-
સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં થયેલા સાર્વત્રિક વરસાદના કારણે જામનગર, દ્વારકા જેવા જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છે. તો વડોદરા, નડિયાદ સહિત અનેક શહેરોમાં ભરાયેલા પાણી હવે ઓસરવા લાગ્યા છે. જોકે આગામી 2 દિવસ હજુ પણ રાજ્યમાં ભારે રસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, ભાવનગર અને,અમરેલી ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ડીપ ડિપ્રેશન એટલે કે વરસાદની મજબૂત સિસ્ટમ કચ્છ પરથી આગળ વધી રહી છે.
વડોદરામાં પાણી ઉતરવાની શરૂઆત
વડોદરામાં પૂરના પાણી ઉતરવાની શરૂઆત થઈ છે. છેલ્લા 72 કલાકથી વેપારીઓની દુકાનો પાણીમાં ગરકાવ હતી. આજે પરિસ્થિતિમાં સુધારો આવતા શહેરના 5 રસ્તાઓ ખોલવામાં આવ્યા છે. વેપારીઓએ તેમની દુકાનો ફરી ખોલી હતી. દુકાનોમાં વ્યાપક નુકશાન થયાના અહેવાલો મળી રહ્યાં છે. વિશ્વામીત્રી નદી અને શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ સમસ્યાથી વ્યવસ્થા કરવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી હતી.મહત્વનું છે કે વિશ્વામિત્રીનદીના જળ સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેથી હાલ કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીની સપાટી 32.50 ફૂટ પર વહી રહી છે. શહેરના વિશ્વામીત્રી નદી પર આવેલ 4 બ્રીજ અવર-જવર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે સાથે જ લોકોના આરોગ્યની દેખભાળ માટે આરોગ્ય વિભાગની ટીમ નાગરિકોની સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.
4 દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 29 ઈંચ વરસાદ
રાજકોટ જિલ્લા કલેકટરે જણાવ્યું કે, છેલ્લા 4 દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં સરેરાશ 29 ઈંચ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.103 લોકોને રસક્યૂં કરવામાં આવ્યું છે.આ સિવાય કલેક્ટરે લોકોને કામ સિવાય ઘર બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે. રાજકોટમાં હાલ આર્મીની 1 SDRF અને 1 SRPની મુકી છે. જિલ્લા વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓએ 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કર્યા છે.રાજ્યમાં ડેમની સ્થિતિ
રાજ્યમાં 120 તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમા સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 12 ઈંચ અને કચ્છના અબડાસામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજયમાં કુલ 105 ટકા વરસાદ નોંધાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજા દિવસે વીડિયો કોન્ફરસ યોજી વરસાદ પ્રભાવિત વિસ્તારોની બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાણી ઓસરવાની શરૂઆત થતા તુરંત જ જંતુનાશક દવાના છંટકાવ સહિત સફાઈની કામગીરી શરૂ કરાશે. તેમજ રોગચાળો ન ફેલાય તે માટે તબીબોની ટીમ પણ રવાના કરવામાં આવશે. રાજ્યમાં વરસાદને કારણે 108 ડેમ હાઇ એલર્ટ ઉપર છે. તો 76 જળાશયો 100 ટકા ભરાયા છે. રાજ્યભરમાં ભારે વરસાદના કારણે 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સ્ટેટના 34 હાઇવે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ગાંધીનગર , આણંદ, ખેડા, વડોદરાના કુલ 9 લોકોના મૃત્યુ થયા છે.ભારે વરસાદથી ટ્રેન વ્યવહારને અસર
રાજ્યભરમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેની અસર રેલ વ્યવહાર પર પડી રહી છે. હાલ વડોદરા ડીવીઝનમાં વડોદરા અને ભરૂચ સ્ટેશન વચ્ચે ઈટોલા બ્રીજ પાસે રેલ્વે ટ્રેન પર પાણી ભરાયેલા છે. આજે પણ અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડતી મેલ એક્સપ્રેસ, મેમુ તેમજ લોકલ ટ્રેન મળી કુલ 91 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત 20 ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને 23 ટ્રેનોના રૂટ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે.PMએ કરી CM સાથે વાત
સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાત-ચીત કરી હતી.... વાતચિતમાં તેમણે રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી મેળવી હતી... સાથે જ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલી રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હતી.... જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જનઆરોગ્ય સહિતની બાબતો અને જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.