રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોના નાગરિકો માટે આરોગ્ય વિભાગ સજ્જ
Live TV
-
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાના કારણે ભારે વરસાદથી પ્રભાવિત વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં કુલ 35 મેડિકલ ટીમ 5 દિવસ માટે મોકલવામાં આવી. સુરત, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટથી તબીબોની મેડિકલ ટીમ ભારે વરસાદથી પ્રભાવિત છે. આ 3 જિલ્લામાં જરૂરી દવાનો જથ્થા અને એમ્બ્યુલન્સ સાથે મોકલવામાં આવી.
રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ સમયે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના ભાગ રૂપે સ્વાસ્થ્ય ચકાસણી હાથ ધરી છે.
હાલ વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન ખાતે 20, વડોદરા જિલ્લામાં 10, મોરબી જિલ્લામાં 2 ટીમ અને પોરબંદર જિલ્લામાં 3 ટીમ મુકાઈ છે.આગામી સમયમાં જરૂર જણાશે તે પ્રમાણે તબક્કાવાર ટીમ મોકલાશે. હાલ આ ટીમમાં સુરતથી 5, ભાવનગરથી 5, ગાંધીનગર અને અમદાવાદથી 10-10 અને રાજકોટથી 5 આમ કુલ 35 ટીમ મોકલાઈ છે. દરેક ટીમમાં એક મેડિકલ ઓફિસર, 2 પેરામેડિકલ સ્ટાફ , ડ્રાઈવર ખડેપગે છે.
તમામ ટીમે 3 જિલ્લામાં યુદ્ધના ધોરણે મેડિકલ ચેક-અપ કેમ્પ આરંભી દીધો છે. આ ટીમ વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોમાં જઇને સ્થાનિકજનોની સ્વાસ્થ્યને લગતી જરૂરી ચકાસણી કરી રહી છે. સ્થાનિક આરોગ્ય તંત્રએ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ અટકાવવા માટે દવા છંટકાવની પણ કામગીરી યુદ્ધના ધોરણે આરંભી છે. અન્ય પ્રાથમિક સારવાર ઉપરાંતની જરૂર જણાઇ આવે તો હોસ્પિટલમાં સારવાર અપાશે આ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં CHC અને PHC સેન્ટર ખાતે 1262 એમ્બ્યુલન્સ અને અન્ય 802 જેટલી 108 એમ્બ્યુલન્સને આ વિસ્તારોમાં ઈમરજન્સી સેવાઓ માટે તહેનાત કરવામાં આવી છે.