તંત્રને સજાગ રાખતી મોકડ્રીલનું આયોજન રાજય સ્તરે કરાયું
Live TV
-
આકસ્મિક સંજોગોમાં ઉભા થતા સંકટમાં ઓછામાં ઓછુ નુકશાન અને માનવ ખુવારી ન થાય તે માટે તંત્રને સજાગ રાખતી મોકડ્રીલ યોજાઈ.
આમ જનતામાં જાગૃતિ લાવવા તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ સીસ્ટમ ત્વરીત સમયમાં યોગ્ય કાર્યવાહી કરી શકે તે માટે અવાર નવાર મોકડ્રીલ યોજવામાં આવતી હોય છે. આવા જ એક મોકડ્રીલના કાર્યક્રમમાં શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડ થી લઈ શાહીબાગ રિલાયન્સ માર્કેટ સુધી આગ લાગવા સમયે થતી કામગીરી અંગેની મોકડ્રીલ યોજાઈ હતી. અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રીમતી અવંતિકાસિંઘની આગેવાનીમાં યોજાયેલ મોકડ્રિલમાં કુદરતી આપત્તિઓ જેવી કે, ભૂકંપ,પુર,વાવાઝોડુ, રાસાયણિક અને ઔદ્યોગિક આપત્તિ આગ જેવી હોનારત સામે તાત્કાલિક અને પ્રાથમિક ધોરણે કેવી રીતે અગમચેતીના પગલા લેવા અને જાનહાનીની કેવી રીતે બચાવ કામગીરી કરવી તેનું મોકડ્રિલ યોજાયું હતું.
અમદાવાદ શહેરમાં વિવિધ પાંચ સ્થળોમાં જિલ્લા કલેક્ટર કચેરી, રાણીપ બસ સ્ટોપ, પોલીસ સ્ટેડિયમ, પોલીસ આવાસ અને રિલાયન્સ મેગા મોલ, શાહિબાગ ખાતે તથા સાણંદ જી.આઈ.ડી.સી.માં આવા મોકડ્રિલ કાર્યક્રમો યોજાયા હતા. આ મોકડ્રિલમાં પોલીસ, ફાયરબ્રિગેડ, સિવિલ ડિફેન્સ અને ૧૦૮ના કર્મચારી જોડાયા હતા. કોઈ સ્થળ પર આગ લાગી હોય તેવા સમયે પોલીસ ફાયરબ્રિગેડ અને ૧૦૮ના કર્મચારીઓની કામગીરી શું હોય અને તે કેવી રીતે વધુ સજ્જતાપૂર્વક પાર પાડી શકાય તે હેતુસર વખતો વખત પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે. આજે યોજાયેલી મોકડ્રીલમાં આગ લાગવાના બનાવ સમયે થતી દોડાદોડ અને તે દરમ્યાન ફાયરબ્રિગેડ દ્વારા આગમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે તે આબેહુબ રજુ કરવામાં આવી હતી. બચાવ કાર્યવાહીમાં નીકળેલી ફાયરબ્રિગેડની ટીમ તથા પોલીસ અને ૧૦૮ની ટીમ રસ્તા પરથી પસાર થતા દીલધડક દ્રશ્યો સર્જાયા હતા.
એક કલાકથી વધુ ચાલેલી આ મોકડ્રિલમાં સુરક્ષા માટે હાજર તમામ ટીમે સફળતા પૂર્વક પોતાનું કામ પાર પાડ્યું હતું અને ઘટનાસ્થળ પર ફસાયેલા તમામ લોકોને સફળતાપૂર્વક બહાર લાવવામાં આવ્યા હતા.