તૌકતે વાવાઝોડું: રાજ્ય સરકાર દ્વારા NDRF અને STRF ટિમને એલર્ટ કરાઈ
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા સબંધિત 14 જિલ્લાના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી સ્થાનિક વહીવટી તંત્રોની તૈયારીઓની સમીક્ષા કરી
હાલ ગુજરાતમાં તૌકતે નામના વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે, ત્યારે આ વાવાઝોડાથી ઓછામાં ઓછું નુકશાન થાય એ માટે રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ ઉપરાંત સંબંધિત ૧૪ જીલ્લોઓના પ્રતિનિધિઓ સાથે વાત કરી તેમની તૈયારીઓની પણ સમીક્ષા કરી આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એન.ડી.આર.એફ અને એસ.ટી.આર.એફને એલર્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપી હતી. ગુજરાત પર આવેલી આ આફત સામે લડવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ અંગે સ્થાનિક વહીવટી તંત્રો પણ હરકતમાં આવ્યા હતા. તૌકતે વાવાઝોડાને ધ્યાને લઇ જાફરાબાદ - પીપાવાવ પોર્ટ લાઈટ હાઉસ વિસ્તારમા ૧ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે, અને માછીમારોને એલર્ટ કરવામાં આવ્યાં છે. હાલ જાફરાબાદની ઘણી બોટ મધદરિયામાં છે તેને કિનારે લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
ત્યારે દ્વારકા જિલ્લામાં પણ તૌકતેને લઈ તંત્ર દ્વારા કરેલી તૈયારીઓની દ્વારકાના પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા વરવાળા ખાતે મલ્ટીપર્પઝ સાયકલોન શેલ્ટરની સમીક્ષા કરવામાં આવી હતી.
તો આ બાજુ ભરૂચના દહેજ બંદરે પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તેમજ સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડા અંગે જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
જામનગરમાં પણ 18મી મેએ તૌકતે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને પગલે જિલ્લા કલેકટર દ્વારા જામનગરની જનતાને સતર્ક રહેવા અપીલ કરાઇ છે. જ્યારે બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરાઈ ચૂકી છે.
તૌકતે વાવાઝોડું કચ્છના સરહદી દરિયાઈ વિસ્તારમાં ત્રાટકી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. કચ્છના જખૌ બંદરે તંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. હાલમાં જખૌ બંદરેથી 28 જેટલી બોટ દરિયામાં છે, જે કાલ સવાર સુધીમાં બંદરે પરત ફરશે.
