G.M.E.R.S. કોલેજોના તબીબી શિક્ષકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Live TV
-
રાજ્યના તબીબી શિક્ષકોને સાતમા પગાર પંચના ધોરણ મુજબ અપાશે નોન પ્રેક્ટીસિંગ એલાઉન્સ, સાતમા પગાર પંચ મુજબ પગાર ધોરણનો મળશે લાભ
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી સરકારી તબીબોની માંગ સંતોષાતા તબીબોની હડતાળનો સુખદ અંત આવ્યો છે. હવે જી.એમ.ઈ.આર.એસમાં નિયમિત નિમણુંક પામેલા નર્સિંગ સંવર્ગના કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ પગાર ધોરણનો લાભ મળશે.
ગઈકાલે જી.એમ.ઈ.આર.એસ ફેકલ્ટી એસોસિએશનના હોદ્દેદારો સાથે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તબીબોની પડતર માંગણી અંગે બેઠક કરી હતી. આ બેઠકમાં સરકારી તબીબી શિક્ષકોની 14 જેટલી માંગણીમાંથી 11 માંગણી મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી તબીબોની માંગ અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ જી.એમ.ઈ.આર.એસ કોલેજોના તબીબી શિક્ષકોને પણ સાતમા પગાર પંચના ધોરણ મુજબ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે વાત કરતા પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનિયમિત કરવા એક જ સ્થાઈ ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવશે. તમામ ડી.પી.સી. અંતર્ગત બાકી બઢતીના આદેશો તુરંત કરવામાં આવશે, જ્યારે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત ઉચ્ચતર પગાર ધોરણ માટેના આદેશ કરવામાં આવશે. તમામ એડહોક કે જી.પી.એસ.સી. સેવાઓને સળંગ ગણવા માટે પણ આદેશ કરવામાં આવશે. તો બીજી તરફ સરકારી તબીબી પ્રાધ્યાપકોની માંગણીઓ સંતોષાતા તબીબોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
