સુરેન્દ્રનગરના લટુડા ગામની મહિલાઓએ તેમના ગામને કોરોના મૂક્ત બનાવવા લીધી આગેવાની
Live TV
-
મુખ્યમંત્રીના ‘‘મારૂં ગામ કોરોના મુક્ત ગામ’’ ના મંત્રને ચરિતાર્થ કરવા નિગરાની સમિતી બનાવી ગામમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કમર કસતી મુઠી ઉંચેરી મહિલાઓ
આજે સમગ્ર વિશ્વ સમક્ષ કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, તેવા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે 3000 ની વસતી ધરાવતાં લટુડા ગામની જાગૃત મહિલાઓએ તેમના ગામમાંથી કોરોનાના સંક્રમણને દૂર કરવા અને ગામને કોરોના મૂક્ત રાખવા કમર કસી છે.
લટુડા ગામને કોરોના મૂક્ત રાખવા ગામના સરપંચ, ઉપ-સરપંચ, તલાટી મંત્રી, શાળાના આચાર્ય, શિક્ષક, ફિમેલ હેલ્થ વર્કર અને આશાવર્કર સહિતના બહેનો આગળ આવ્યા અને લટુડામાં લોકોને કોરોના સંક્રમણથી મૂક્ત રાખવાનો આરોગ્યયજ્ઞ આરંભાયો.
સરપંચ સંગીતાબેન તેમના આ અભિયાનની વિગતો આપતા કહે છે કે, ગત વર્ષે કોરોનાના સંક્રમણને ધ્યાને લઇ ગામના તલાટી બહેન સાથે મળી અમે અમારા ગામને એકથી વધુ વખત સેનેટાઈઝ કરાવવાની સાથે આરોગ્ય વિભાગ, શાળાના આચાર્ય - શિક્ષકો તેમજ આંગણવાડી વર્કર અને આશા બહેનો સાથે સંકલનમાં રહીને સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી. આ વર્ષે પણ આ તમામ કામગીરી ઉપરાંત ગામના કોઈ વ્યક્તિ કોરોના પોઝીટીવ આવે તેવા સમયે આરોગ્ય વિભાગને જાણ કરી દર્દીને હોમ આઈસોલેશનમાં જ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ગામને કોરોનાના સંક્રમણથી બચાવવાનું કાર્ય વધુ સારી રીતે થઈ શકે તે માટે 10 સભ્યોની નિગરાની સમિતિની પણ રચના કરી તમામ કામ ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે.
ફિમેલ હેલ્થ વર્કર જ્યોતિ બહેનના જણાવ્યા અનુસાર ગામમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે વેકસીનેશનની કામગીરી સઘન બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુ વયના 280 વ્યક્તિઓને રસી આપી 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 45 વર્ષથી વધુ વયના આશરે 290 લોકોને પણ રસી આપવામાં આવી છે.
ગામમાં તલાટી તરિકે ફરજ બજાવતા હેતલબેન મોરી કહે છે કે, હાલની પરિસ્થિતીને ધ્યાને લઈ ગામની શાળામાં 4 બેડનું આઈસોલેશન સેન્ટર ઉભૂ કરવામાં આવ્યું છે. ગામના જે દર્દીને ઘરમાં હોમઆઈસોલેશનમાં રહેવાની સગવડ ન હોય તેવા લોકો આ સેન્ટરમાં રહી શકે છે. જેમાં બેડ, દવાઓ, ઓકસીમીટર, સહિતની આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ પણ અમે ઉપલબ્ધ બનાવી છે.
કોરોનાના આ કપરા કાળમાં આજે અનેક લોકો માનસીક રીતે ભય અનુભવી રહયા છે, તેવા સમયે જિલ્લા મથક સુરેન્દ્રનગરથી માત્ર નવેક કિલોમીટર દૂર આવેલા લટુડા ગામની મુઠી ઉંચેરી મહિલાઓએ તેમના ગામના લોકોને કોરોના સંક્રમણથી મૂક્ત રાખવા હાથ ધરેલા સહિયારા પુરૂષાર્થ સાથેના કાર્યો સાચા અર્થમાં ‘‘મારૂં ગામ કોરોના મૂક્ત ગામ’’ની વિભાવનાને ચરિતાર્થ કરી રહયા છે.
