દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા 72 ગુજરાતનાં નાગરિકોની ઓળખ કરાઈ
Live TV
-
દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા ગુજરાતના કુલ 72 નાગરિકોની ઓળખ કરવામાં આવી છે અને તમામને ક્વોરંટાઇન કરાયા છે. રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ દિલ્હી નિઝામુદ્દીન બાબતમાં કયું કે, હજુ કોઇ સામેથી સંપર્ક કરી જાણ નહીં કરે તો ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી કરાશે
શિવાનંદ ઝાએ જણાવ્યું કે, દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા ગુજરાતના નાગરિકો અંગે કેન્દ્રીય એજન્સી દ્વારા મળેલી માહિતી તેમજ ટેક્નિકલ ડેટાના આધારે અત્યાર સુધીમાં કુલ 72 નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 34 (જે પૈકી 27 ઉત્તરપ્રદેશના છે), ભાવનગરના 20 (જેમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે), મહેસાણાના 12, બોટાદના 4 તેમજ નવસારીના 2 નાગરિકોનો સમાવેશ થાય છે. હાલ આ તમામ નાગરિકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. તદુપરાંત, તેમણે જણાવ્યું કે, દિલ્હી મરકઝથી આવેલા અન્ય નાગરિકોની ટ્રેસીંગ અને સર્વેલન્સની કામગીરી હજુ ચાલુ છે. આ સિવાયના કોઈ નાગરિકો મરકઝમાં કે અન્ય સ્થળે જઈને આવ્યા હોય, તો તેઓ સામેથી આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગનો સંપર્ક કરે એ ઇચ્છનીય છે. આમ કરવાથી તેમની અને તેમની આસપાસના અન્ય લોકોની સલામતી પણ જળવાશે, પરંતુ જો કોઈ નાગરિકો આવી જાણ નહીં કરે, તો તેમની સામે ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ શ્રી ઝાએ ઉમેર્યું હતું.