બિહારમાં CRPF પર હુમલો કરનાર વોન્ટેડને ગુજરાત પોલીસે ઝડપ્યો, બિહાર પોલીસને સોંપાયો
Live TV
-
ગુજરાત પોલીસની એ.ટી.એસ.ની ટીમે માઓવાદી સંગઠન સાથે સંકળાયેલા બિહારના ઝોનલ કમાન્ડર રાજેશ ઊર્ફે ગોપાલ પ્રસાદને વલસાડ જિલ્લાના વાપી ખાતેથી પકડી પાડ્યો છે. પકડાયેલ માઓવાદી રાજેશ હિંસક અને દેશ દ્રોહી પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છે.
તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ તેના પર 50થી વધારે ગુનાઓ નોંધાયેલા છે. આરોપી રાજેશ રવિદાસ દમણ ખાતે નામ બદલાવી સિક્યુરીટી ગાર્ડની નોકરી કરતો હતો, ત્યાર બાદ વલસાડ જિલ્લાના વાપી ખાતે કારખાનામાં મજુરી કરતો હોવાની માહિતી મળતા એટીએસ પોલીસે ધરપકડ કરી તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, બિહારના ઔરંગાબાદ જિલ્લામાં સીઆરપીએફ જવાનો પરના નક્સલી હુમલામાં તે વોન્ટેડ હતો. આ માઓવાદીને મિરઝાપુર કોર્ટમાં ગુજરાત એટીએસે રજૂ કર્યો હતો. કોર્ટે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીનો કબજો બિહાર પોલીસને સોંપ્યો. આરોપીની સામે બિહારમાં 50 જેટલા ગુના દાખલ થયેલા છે. બિહાર પોલીસે સાત દિવસના ટ્રાન્સફર રિમાન્ડની માંગણી કરી હતી.
