ભરૂચ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓએ લેવી પડશે સેલ્ફી
Live TV
-
ભરૂચ જિલ્લાની તમામ 543 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓએ તેમની હાજરી પુરવા માટે હવે એન્ડ્રોઇડ ફોન પરથી સેલ્ફી લેવી પડશે, અને સેલ્ફીના આધારે તેમની તેમના કાર્યસ્થળ ઉપર હાજરીની નોંધ લેવામાં આવશે.
અવારનવાર ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં તલાટી હાજર રહેતા ન હોવાની ઘણી ફરિયાદો ઉઠતી હતી. જેના કારણે ભરૂચ જિલ્લાની કુલ 543 ગ્રામ પંચાયતમાં 27 લાખના ખર્ચે ગેરહાજર રહેતા તલાટીની હાજરી પૂરવા માટે ફિંગરપ્રિન્ટ સ્કેનર મુકવાનું વિચારાયું રહ્યું હતું. પરંતુ હવે તલાટી ગેરહાજરીની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાની તમામ 543 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓએ હવે એન્ડ્રોઇડ ફોન પરથી સેલ્ફી લેવી પડશે, અને સેલ્ફીના આધારે તેમના કાર્યસ્થળ ઉપર હાજરીની નોંધ લેવામાં આવશે. આ માટે ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં એક થી 15 જૂન સુધી પ્રોજેક્ટની ટ્રાયલ લેવામાં આવી હતી. જેમાં સોફ્ટવેરમાં 7500 થી વધારે જીઓટેગડ ફોટા અપલોડ થયા હતા. જિલ્લાના 494 તલાટી પૈકી 458 તલાટીઓએ સોફ્ટવેરમાં તેમની હાજરી પુરાવી. ત્યારે હવે રાજ્યમાં સૌથી પહેલા આ પ્રોજેક્ટને ભરૂચ જિલ્લાથી અમલી બનાવવામાં આવ્યો છે. ભરૂચ અંકલેશ્વર હાંસોટ વાગરા જંબુસર આમોદ વાલીયા નેત્રંગ અને ઝઘડીયા તાલુકાની 543 ગ્રામ પંચાયતોમાં હવે તલાટી હાજર રહેતા નહીં હોવાથી ફરિયાદનો અંત આવી જશે.
જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા હાજરી માટે સૌપ્રથમ વાર ભાર્ગવ નામનું સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે. દરેક તલાટીએ તેમની હાજરી નોંધવા માટે હવે રજીસ્ટરમાં સહી કરવાને બદલે સેલ્ફી લેવી પડશે. ગ્રામ પંચાયતની કચેરીમાં હાજર થયા બાદ તેમની સેલ્ફી ભાર્ગવ સોફ્ટવેર સિસ્ટમમાં અપલોડ કરવાની રહેશે. કચેરી છોડતા પહેલા પણ આ જ પ્રકારે પુનરાવર્તન કરવાનું રહેશે. નવા સોફ્ટવેરમાં તલાટીની હાજરીની સાથે તેઓના કામના કલાકોની પણ નોંધ થઈ જશે. દરેક તાલુકામાં બનાવેલા ડેશબોર્ડ પર તલાટીઓની હાજરીની નોંધ રહેશે. ભરૂચ ખાતે રાજ્યમાં સૌથી પહેલા આ પ્રોજેક્ટને જુલાઈથી અમલમાં મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલી મોટાભાગની ગ્રામ પંચાયતમાં તલાટીઓ હાજર રહેતા નહીં હોવાથી વહીવટી કામગીરી ઉપર અસર પડતી હોવાની ફરિયાદો ઉઠી હતી. તેનું નિરાકરણ હવે ટેકનોલોજીના ઉપયોગથી આવતું દેખાયું છે.
હાજરી પુરવાની નવી પદ્ધતિથી વગર રજાએ ગેરહાજર રહેવા જેવી તમામ ફરિયાદનું નિરાકરણ આવી જશે. આ સોફ્ટવેરની મદદથી DDO તેમજ અન્ય અધિકારીઓને તેમના મોબાઈલ પર જ તલાટીઓ ગ્રામ પંચાયત પર હાજર છે કે, કેમ તેની માહિતી પણ મળી રહેશે. જેથી તલાટીની હાજરી ને લઈને ઉઠતી કોઈપણ ફરીયાદ અંગે મદદરૂપ બની શકશે. ભાર્ગવ સોફ્ટવેરની મદદથી ઉચ્ચ અધિકારીઓ તલાટી નું લોકેશન પણ જાણી શકશે. તો સામે પક્ષે અરજદારોની ખોટી ફરિયાદોથી હેરાનગતિ વેઠી રહેલા તલાટીઓની સમસ્યાનો પણ અંત આવી જશે. તલાટી મંડળે પણ આ નિર્ણયને સ્વીકાર્યો છે. જીઓલોજીકલ એટેન્ડન્સ એપ પાછળ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. પરંતુ આ અદ્યતન ટેક્નોલોજીની મદદથી સરકારી કર્મચારીઓની હાજરી અંગે ચોકસાઈ થી વિગતો મળી શકશે. એટલું જ નહીં પ્રજા અને સરકારી કર્મચારીઓ વચ્ચે સર્જાતા મતભેદનું નિરાકરણ પણ આવી શકશે.
