ભારતીય જળસીમામાં ઘુસી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પોરબંદરની બોટ પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા
Live TV
-
ભારતીય જળસીમામાં ઘુસી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પોરબંદરની બોટ પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. એક ગોળી કેબીન માંથી પસાર થઈ ટંડેલના હાથમાં વાગી હતી. વહેલી સવારે બોટ પોરબંદરના બંદર પર પહોંચતા ઈજાગ્રસ્ત ખલાસીને સારવાર માટે સિવિલમાં લાવ્યા હતા.
માછીમારીની સિઝન શરૂ થયાના પ્રારંભમાં જ તાજેતરમાં પ્રથમ છ અને બીજી વખત 10 બોટ સાથે માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનો બનાવ બન્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય જળસીમામાં ઘૂસી બોટના અપહરણ કરાયા હોવાનો બનાવ બનતા માછીમારોમાં ભારે રોષ ભભૂકી ઊઠયો છે. ત્યારે વધુ એક વખત બુધવારના દિવસે ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલ પોરબંદરની દેવલાભ બોટ પર ફાયરીંગની ઘટના બની હતી. ભારતીય જળસીમામાં પોરબંદરના કુલ 5 માછીમારો માછીમારી કરી રહ્યા હતા તે દરમ્યાન પાકિસ્તાન મરિન સિકયુરિટી એજન્સી ઘસી આવી હતી અને પોરબંદરની આ બોટ પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જેમાં 3 ગોળી દરિયામાં અને એક ગોળી બોટની કેબીન માંથી પસાર થઈ ધીરુભાઈ બાંભણીયા નામના ટંડેલને ડાબા હાથના બાવડામાં વાગી હતી. પાક મરીન સિક્યુરિટી એન્જસી દ્વારા પોરબંદરની આ બોટને ટક્કર પણ મારી હતી અને અથડામણ કરી બોટ તેમજ તેમાં સવાર પાંચેય ખલાસીઓને પકડી લેવા પ્રયાસ કર્યા હતા પરંતુ ટંડેલએ બોટ આગળ લઈ લેતા પ્રયાસ નિષ્ફળ ગયો હતો. વહેલી સવારે આ બોટ પોરબંદરના બંદર પર આવી હતી અને ઇજાગ્રસ્ત ટંડેલને સારવાર માટે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફાયરિંગનો બનાવ બનતા માછીમારોમાં પણ ફફડાટ મચી ગયો છે.