ભુપેન્દ્ર પટેલ સરકારનો ચોથા વર્ષમાં પ્રવેશ, ખેડૂતો માટે લેવાયા કલ્યાણકારી નિર્ણયો
Live TV
-
સુશાસનના સફળ 3 વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રેવશના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ખેડૂતો માટે કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ દાખલ અને પ્રમાણિત કરવાના નિર્ણયની કાર્યવાહીમાં સરળીકરણ કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે ચોથા વર્ષમાં પ્રવેશ કરતા રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં કરેલા આ કલ્યાણકારી નિર્ણયોના પરિણામે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે. 1951-52થી બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પૂરાવાઓ માંગવામાં આવે છે, ત્યારે આવા પુરાવાઓ જિલ્લા વિસ્તરણ, પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ, તેમ જ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાને કારણે વેચાણ-નોંધો તેમ જ બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે કરવાના કે નામંજૂર કરવાના કિસ્સાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યા છે. આના પરિણામે મૂળ ખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકર્ડની ચકાસણી કરવા બાબતે રેકર્ડની બિનઉપલબ્ધતાના કારણે વેચાણ-નોંધો અને બિનખેતી મંજૂરીઓના કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
બિનખેતી પરવાનગી અંગેની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે તથા તેનો ચુસ્તપણે અમલ તમામ સક્ષમ સત્તાધિકારીઓએ કરાવવાનો રહેશે. મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લીટીગેશન કે તપાસ પડતર છે તેવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહત્વપૂર્ણ નિર્ણયો અંગેના ઠરાવો રાજ્યના મહેસૂલ વિભાગે જાહેર કર્યા છે.