મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી 'વન સેતુ ચેતના યાત્રા'નો શુભારંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટને આવરી લેતી 'વન સેતુ ચેતના યાત્રા'નો નવસારી જિલ્લાના વાંસદાથી ભવ્ય શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વન બંધુ વિશ્વબંધુ બને એ માટે રાજ્ય સરકારે વન બંધુ કલ્યાણ યોજના- 2.0 હેઠળ 2023 24 ના વર્ષમાં 47,000 કરોડની જોગવાઈ કરી છે. આદિજાતિઓના વિકાસની નવી પરિભાષા અંકિત કરવાના ધ્યેય સાથે નવસારી, ડાંગ, અરવલ્લી, છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લામાં નવી મેડિકલ કોલેજ સ્થાપવાની દિશામાં કામગીરી આરંભી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી અને મહાનુભાવોએ અતિ પૌરાણિક ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને માતાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી અને મંત્રીઓએ આ અભિયાન રૂપે ઉનાઈ માતા મંદિર પરિસરની સાફ-સફાઈ કરી હતી. તેમણે ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.1.76 કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.મુખ્યમંત્રીએ વન ધન વિકાસ, વનલક્ષ્મી યોજના, માલિકી યોજના સહિત વન વિભાગની વિવિધ યોજનાકીય લાભો, સહાયના ચેકોનું વિતરણ આ યાત્રા પ્રારંભે કર્યું હતું.
વન રક્ષક અને પ્રકૃતિપૂજક આદિવાસી સમાજ વન સંપદાની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણમાં અગ્ર ભૂમિકા નિભાવી રહ્યો છે એમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ બાંધવોના પ્રકૃતિ પ્રેમ અને વન્ય જીવો પ્રત્યેની સંવેદનાને બિરદાવી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું હતું કે, વન સેતુ ચેતના યાત્રા રાજ્યના નાગરિકોમાં વન્ય જીવો અને પ્રકૃતિના સંરક્ષણની ચેતના જગાવશે.