સ્થાનિક બોલી માટે નર્મદા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો અનોખો પ્રયોગ
Live TV
-
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પણ પ્રાદેશિક ભાષાને મહત્વ આપે છે. આ સમસ્યાનું સમાધાન ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા રાજ્યના 17 જિલ્લામાં બોલાતી બોલીઓના મોડ્યુલ તૈયાર કરી લાવવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લામાં મુખ્યત્વે ચાર બોલીઓ આદિવાસીઓમાં પ્રચલિત છે. નાંદોદમાં કાઠાલી-વસાવી, ગરૂડેશ્વર અને તિલકવાડામાં ધાનકી, દેડિયાપાડામાં આંબુડી અને સાગબારામાં દેહવાલી બોલી બોલવામાં આવે છે. જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકી દેડિયાપાડા અને સાગબારામાં તો સ્થાનિકો દૈનિક વ્યવહાર આંબુડી અને દેહવાલી બોલીમાં જ કરે છે. આથી બંને તાલુકામાં આવેલી કુલ – 321 પ્રાથમિક શાળામાં ધોરણ – 1 અને 2ના બાળકો સાથે આ બંને બોલીમાં જ શૈક્ષણિક સંવાદ સાધવામાં આવે છે. આ માટે ત્રણ હજાર કરતા પણ વધુ શબ્દોનું મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યુ છે.આ બંને તાલુકાની દેહવાલી અને આંબુડી બોલીના જાણકાર એવા 31 શિક્ષકો દ્વારા આ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બાળક સાથે સામાન્ય વાતચીત કેવી રીતે કરવીથી લઈને ગુજરાતી, ગણિતના શબ્દો-અંકને આંબુડી-દેહવાલી બોલીમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. જેમ કે, રોદીહ નિશાલુમ આવજા એટલે કે દરરોજ શાળાએ આવજો, હોવારૂ આવ- જલદી આવો, આજ કેટો ઊંગ્યાઅ વોગુર આલોહ ? - આજે કોણ ન્હાયા વગર આવ્યું છે?
આ મોડ્યુલમાં વ્યવહારિક વાતચિત, પ્રાર્થના સંબંધિત સુચનાઓ, ભોજન અને આરોગ્ય સંબંધિત સુચનાઓ, રમત-ગમતના મેદાન સંબંધિત સુચનાઓ, વાલી સાથેની વાતચીત, વર્ગખંડ સંબંધિત સુચનાઓ પણ આંબુડી-દેહવાલી બોલીમાં અનુવાદિત કરવામાં આવી છે.
આંબુડી અને દેહવાલી બોલી બહુજ મળતી આવે છે, છતાં ઘણાં શબ્દોમાં ફેર છે. ઓષ્ટીય, તાલવ્યની માત્રામાં ગુજરાતી કરતા ફેર પડે છે. નવા શિક્ષકો નર્મદા જિલ્લામાં આવે ત્યારે તેમને સરળતા રહે તે માટે તાલીમ આપવામાં આવે છે. આ વખતે દેડિયાપાડા તાલુકાના ૧૬૦ જેટલા શિક્ષકોને આંબુડી બોલી અને સાગબારા તાલુકાના ૮૨ જેટલા શિક્ષકોને દેહવાલી બોલીની તાલીમ આપવામાં આવી છે.