રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સેવાકીય અને પુણ્યકાર્યોમાં જન્મદિવસ વિતાવ્યો
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિન નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રાજભવનનામાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલે ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત વૃંદાવન ગૌધામ, સેક્ટર-30 માં ગાયોને 131 મણ લીલું ઘાસ નીર્યું હતું. આજે સવારે અમરેલીના બગસરામાં તેમણે સ્વામિનારાયણ મંદિરના દિવ્યમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
અમરેલી જિલ્લાના પાંચ ગામના સરપંચોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ લઈને રાજ્યપાલને જન્મદિવસની ભેટ આપી હતી. તો પ્રાકૃતિક ખેતી કરતા 11 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત 11 ખેત પેદાશો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ભેટ આપી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જન્મદિવસની સવારે રાજભવન પરિસરમાં યજ્ઞશાળામાં सर्वे भवन्तु सुखिनः ની મંગલકામના સાથે યજ્ઞ-હવન કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિવસ નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ટેલીફોન દ્વારા શુભકામનાઓ પાઠવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા રાજભવન પધાર્યા હતા. તેમણે ઉષ્માભેર શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓએ રાજભવન આવીને રાજ્યપાલને શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિવસે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ તથા ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં 717 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.