મોઢેરા સુર્યમંદિર અને પાટણની રાણીની વાવ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાઈ
Live TV
-
રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા પર્યટન સ્થળો ફરી ખુલ્લા મુકાઇ રહ્યા છે. આજે મહેસાણા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર અને પાટણ શહેરની પ્રસિદ્ધ રાણીની વાવ પણ પર્યટકો માટે ખુલ્લાં મુકાઈ છે.
પુરાતત્વ વિભાગની જાહેરાતને પગલે આજથી ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોને પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. પાટણની પ્રસિદ્ધ રાણીની વાવ ખાતે આજથી ખુલ્લી મુકાતાં પર્યટકો ઉમટી પડ્યા હતા. બે મહિનાના આંશિક લોકડાઉનને પગલે રાણીની વાવ ગત 15 એપ્રિલથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવાઈ હતી. આજે રાણીની વાવ ફરીથી પર્યટન માટે ખુલ્લી મુકતા સ્થાનિકોની સાથે ગુજરાતભરમાંથી પ્રવાસીઓ આવી પહોંચ્યા હતા. આજે પ્રથમ દિવસે ઓનલાઈન ટિકીટ બુકીંગની સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
મહેસાણા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર પણ ઓનલાઈન અને ઓફલાઇન ટિકીટ આપવાની વ્યવસ્થા સાથે પર્યટકો માટે પુનઃ એકવાર ખુલ્લું મુકાયું છે. અહીં આવતા પર્યટકો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટંસ જળવાય તે ધ્યાને રાખી પ્રવેશ અપાઇ રહ્યો છે. સોલંકીકાળના ઇતિહાસ સાથે આ મંદિર પાસે કર્કવૃત પસાર થાય છે. વૈભવપૂર્ણ ગાથા સાથે જોડાયેલા આ સૂર્ય મંદિરે દેશ-વિદેશથી પર્યટકો આવતા હોય છે.
