રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Live TV
-
રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. મંગળવારથી કમોસમી વરસાદનું જોર નબળું પડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. આ ઉપરાંત જૂનાગઢના માળીયા હાટીનામાં પોણા બે ઈંચ, જામનગરના જામજોધપુરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
કયા-કયા જિલ્લાઓમાં છે કમોસમી વરસાદની આગાહી ?
સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ સહિત ગીર સોમનાથ અને દીવમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે મંગળવારથી રાજ્ય પરથી માવઠાનો ખતરો ટળે તેવી શક્યતા છે.
માવઠાની અસર ઓછી થતાં ગરમીમાં થઈ રહ્યો છે વધારો
ગુજરાતમાંથી માવઠાની અસર ઓછી થતાં ગરમીમાં વધારો થયો છે. રવિવારે ભુજમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરનું તાપમાન પણ 36 ડિગ્રી કરતા વધુ નોંધાયું હતું. આગામી દિવસોમાં આ તમામ શહેરોનાં તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની પણ આગાહી છે.