રાજ્યમાં ફાયર સેફ્ટીનું NOC દર 6 મહિને રિન્યુઅલ કરાવવું ફરજીયાત
Live TV
-
રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને આગથી સંરક્ષણ આપવા માટે મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ,ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજીયાત કરવામાં આવ્યું. રાજ્ય સરકાર આ હેતુસર પ્રાયવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાન માલિક, કબજેદારો, ફેકટરી ધારકોએ એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને રીન્યુઅલ કરાવવું પડશે. આ માટે ખાનગી યુવા એન્જિનિયર્સને સરકાર નિર્દિષ્ટ તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફીસર તરીકે પ્રેકટીસ કરવા મંજૂરી આપશે.
નગરો અને મહાનગરો માં આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસર ની પેનલ તૈયાર કરવામાં આવશે. ફાયર સેફ્ટી એકટ ની કલમ 12 મુજબ આવા ફાયર સેફ્ટી ઓફિસરો ની નિમણુક કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના આ પહેલ રૂપ નિર્ણય થી સીવીલ, મિકેનીકલ, ઇલેક્ટ્રીકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સને સ્વ રોજગારીની નવી તકો મળતી થશે. શહેરીકરણ ના વધતા વ્યાપ સામે આવા ફાયર સેફ્ટી ઓફિસર ની સેવાઓ વ્યાપક સ્તરે મળતી થવાથી એન ઓ સી મેળવવાનું અને રીન્યુએલ સરળતાથી થઈ શકશે. બિલ્ડિંગના પ્રકાર અને ઉપયોગના આધારે ફાયર સેફ્ટી ને લગતી તમામ પ્રકારની તાલીમ માટે રાજ્ય સરકાર ઓફલાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે. રાજ્યમાં આવેલા અંદાજે પાંચ લાખથી વધુ મકાનો, વાણિજ્યિક સંકુલ, શાળા-કોલેજો, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમોને રાજય સરકાર ના આ નિર્ણય થી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ માસે રિન્યુઅલ કરાવવાનું ખૂબજ સરળ બનશે. મિલ્કત માલિકો-કબજેદારો પોતાની પસંદગી મૂજબના ફાયર સેફ્ટી અધિકારીની સેવાઓ મેળવી શકશે.