રાજ્ય સરકાર દ્વારા વર્ષ -2030 સુધીમાં મલેરિયા મુકત ગુજરાત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા “મેલેરિયા મુક્ત ગુજરાત-2030” અભિયાન અતર્ગત સમગ્ર રાજ્યમાંથી વર્ષ 2030 સુધીમાં મેલેરિયા રોગનું નિર્મુલન કરવા માટે એક્શન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં 1000 ની વસ્તીએ મેલેરિયાના કેસનું પ્રમાણ વર્ષ 2027 સુધીમાં શુન્ય સ્તરે લઇ જવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર આ વર્ષે “મેલેરિયા મુક્ત ગુજરાત” ના લક્ષ્યોને પૂરા કરવા માટે આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમોથી મેલેરિયા રોગ અટકાયત અને નિયંત્રણ કરવામાં આવશે તેમજ રાજ્ય, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ જન સમુદાયમાં જન જાગૃતિ ઉભી કરવા અલગ અલગ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
જેમાં શાળાઓ - કોલેજોમાં વાહકજન્ય રોગો સબંધિત વિવિધ કાર્યક્રમો થકી આરોગ્ય શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે, લોકલ ટીવી ચેનલો, વર્તમાનપત્રો તથા સ્થાનિક એફ એમ રેડીયોના માધ્યમથી જનજાગૃતિ માટે પ્રચાર પ્રસાર અને સંદેશાઓનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
ક્ષેત્રીય કક્ષાએ આરોગ્ય કાર્યકર દ્વારા ઇન્ટર પર્સનલ કોમ્યુનિકેશનથી નાગરિકોને આરોગ્ય શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે. સ્થાનિક કક્ષાએ જરૂરીયાતને ધ્યાને લઈને શેરી નાટક, રેલી, માઈકીંગ અને પપેટ શો, પ્રદર્શન યોજી પત્રીકાઓનું વિતરણ કરી જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જંતુનાશક દવા છંટકાવ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યમાં જુન માસ સુધીમાં 22 જિલ્લાઓના મેલેરિયા માટે સંવેદનશીલ કુલ 218 ગામોમાં 45,355 ઘરોને આવરી લેવામાં આવ્યા છે, તેમજ રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલીકાઓમાં “હાઉસ ટુ હાઉસ” અભિયાન બે તબક્કાઓમાં હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં પ્રથમ તબક્કામાં કુલ 10,578 ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટીમો દ્વારા, મચ્છર ઉત્પત્તિ ન થાય તથા મચ્છર જન્ય રોગોથી કેવી રીતે બચવું જોઈએ તેના માટે પણ પૂરતી સમજ નાગરિકોને પૂરી પાડવામાં આવી હતી. બીજા તબક્કામાં કુલ 18,065 ટીમ દ્વારા 1,43,86,642 ઘરોની મુલાકાત લેવામાં આવી હતી.
મલેરિયાથી સાવચેતીનાં ભાગરૂપે શું કરવું જોઈએ ?
નાગરિકોને મચ્છર ઉત્પત્તિ અટકાવવા પાણી સંગ્રહના પાત્રો હવા ચુસ્ત રીતે ઢાંકીને રાખવા જોઈએ, મચ્છરોથી બચવા માટે ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો જોઈએ, બારી બારણાઓમાં મચ્છર જાળીઓ લગાવવી જોઈએ, મચ્છરના કરડવાથી બચવા માટે જુદા જુદા મચ્છર વિરોધી રેપેલન્ટનો ઉપયોગ કરવો જોઈએ, વહેલી સવારે અને સંધ્યા કાળે ઘરના બારી બારણા એક કલાક માટે બંધ રાખવા જોઈએ, જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં જ સુવું જોઈએ, નાના બાળકો અને સગર્ભા માતાઓએ સુવા માટે જંતુનાશક મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરાવી જોઈએ, તાવ આવે ત્યારે લોહીની તપાસ અવશ્ય કરાવવી જોઈએ, સાદો મેલેરીયા જણાય તો 14 દિવસની અને ઝેરી મેલેરીયા જણાય તો ૩ દિવસની સંપૂર્ણ સારવાર લેવી જોઈએ.