વડોદરામાં 13.5 ઈંચ વરસાદથી જનજીવન ખોરંભે, વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી
Live TV
-
વડોદરામાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર ભય જનક સપાટી પર જતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. ગઇકાલે રાતથી જ કાલાઘોડા બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, જ્યારે આજે સવારે 7.44 કલાકે વિશ્વામિત્રી નદીની સપાટી 27.19 ફૂટ નોંધાઈ હતી. નદીના સતત વધી રહેલાજળ સ્તરે તંત્રની ચિંતા વધારી છે. લોકો આખી રાત સૂતા નથી.
બુધવારે મેઘરાજાએ વડોદરામાં ધમાકેદાર બેટિંગ કરી હતી. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. સાડા તેર ઈંચ વરસાદ ખાબકી જતા નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. ગઈકાલે વરસાદને કારણે પણ પાણી વધ્યું છે. કમાટીપુરા, પરશુરામ, ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનીની શરૂઆત થઈ છે.
વડોદરા શહેરના જલારામ નગરમાં 50 જેટલા મકાનોમાં પાણી ઘૂસ્યા છે. લોકોએ પોતાનો સામાન બીજાના મકાનોમાં શિફ્ટ કર્યો છે. કેટલાક મકાનો તો આખે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે કેટલાક મકાનોમાં પાણી હજી ઘૂસી રહ્યા છે.વુડા સર્કલ પાસે આવેલી નિર્માણધીન બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ છે. જલારામ નગર સહિત સોસાયટીઓમાં જતો રસ્તો બંધ થઈ ગયો છે. જો કે, જાનહાનિ થતા અટકી ગઈ છે.
ગઈકાલે વધુ પાણી ભરાવાને કારણે લોકોએ સમા-સાવલી બ્રિજ ઉપર લોકોએ વાહન પાર્ક કરી દીધા હતા. પૂરના ડરથી લોકોએ પોતાના વાહનો બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજની બંને બાજુ વાહન પાર્ક કરાયેલા છે.વુડા સર્કલ પાસે આખો ટ્રક ઘૂસી જાય એવડો મોટો ભૂવો પડ્યો
વુડા સર્કલ પાસે આખે આખી ટ્રક ઘૂસી જાય એટલો મોટો ભૂવો પડ્યો છે.અલકાપુરી ગરનાળું સતત બીજા દિવસે બંધ છે. આજે પણ વાહન વ્યવહાર શરૂ થઈ શક્યો નથી. ભારે વરસાદને કારણે ગઈકાલથી ગરનાળામાં પાણી ભરાયું છે.
શહેરમાં આવેલા સયાજીગંજ વિસ્તારમાં ફિનિક્સ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં આવેલી તમામ દુકાનો અડધાથી ઉપર ડૂબી ગઈ છે. સતત બીજા દિવસે પણ આ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયેલા છે. વેપારીઓમાં ખૂબ જ ચિંતા છે. તેમનો તમામ સામાન દુકાનમાં પલળી ગયો છે. કોમ્પ્લેક્સની લિફ્ટ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ગઈકાલે પણ આ તમામ દુકાનો પાણીમાં હતી.
વડોદરામાં બુધવારે ભારે વરસાદની સ્થિતિ વચ્ચે દશરથ ગામનું તળાવ ફાટ્યું હતુ. સતત વરસી રહેલા વરસાદને પગલે દશરથ ગામે મલાઇ તળાવ ફાટ્યું છે.આ ઘટનાને પગલે 40 ઝૂપડા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ મદદ માટે દોડી આવી હતી અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બોટની મદદથી 30 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.