વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની તૈયારીઓને આખરી ઓપ આપતા મુખ્યમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મૅપ પર અગ્રિમ સ્થાન અપાવવા ૨૦૦૩થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મુ સંસ્કરણ આગામી 10 થી 12 જાન્યુઆરી-2024 ના યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાઇબ્રન્ટ સમિટને બે દાયકાની ‘સમિટ ઑફ સક્સેસ’ તરીકે આયોજિત કરીને જ્વલંત સફળતા અપાવવા માટે રાજ્ય સરકારે કરેલા બહુઆયામી આયોજનને ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ અંગે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રીઓ, હર્ષ સંઘવી તેમજ જગદીશ વિશ્વકર્મા પણ સહભાગી થયા હતા.
વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪નો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા.10 મી જાન્યુઆરીએ વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રપતિઓ-પ્રધાનમંત્રીઓ-વડાઓ અને દેશ-વિદેશનાં CEOSની વિશેષ ઉપસ્થિતિમાં કરાવશે.
મુખ્યમંત્રી અને મંત્રીઓ સમક્ષ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે વાઇબ્રન્ટ સમિટ-2024ના સર્વગ્રાહી તલસ્પર્શી આયોજનનું પ્રેઝન્ટેશન કર્યું હતું.
આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટની 10મી એડિશન મુખ્યત્વે ઇન્ડસ્ટ્રી 4.0 સ્પિયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન, ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન: ડ્રાઇવર્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથ તથા ટ્રાન્ઝિશનિંગ ટુવર્ડ્સ સસ્ટેઇનેબિલિટીની મુખ્ય વિષય વસ્તુ સાથે યોજાવાની છે.
વાઇબ્રન્ટ સમિટના પ્રારંભના પૂર્વ દિવસે એટલે કે 9મી જાન્યુઆરી થી પાંચ દિવસ માટે ગ્લોબલ ટ્રેડ-શો નું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ટેકનોલોજીના દશક ટેકેડ, ડિસ્રપ્ટિવ ટેકનોલોજીસ અને ચેમ્પિયન સર્વિસ સેક્ટર્સને આ ટ્રેડ શોમાં શો-કેસ કરવામાં આવશે. એટલું જ નહીં, રિવર્સ બાયર-સેલર મીટ, વેન્ડર ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, MSME અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતા પરિસંવાદ વગેરેનું પણ આયોજન આ ટ્રેડ-શો દરમિયાન થવાનું છે.
મુખ્યમંત્રીએ આ ટ્રેડ-શોમાં લોકોની સહભાગિતા વધે તેવો આકર્ષક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. વાઇબ્રન્ટ સમિટના ત્રિદિવસીય આયોજનમાં જે કોન્ફરન્સિઝ, સેમિનાર અને વન-ટુ-વન બેઠકો તથા કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર્સ યોજવાના છે તે અંગે પણ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવે વિગતવાર પ્રેઝન્ટેશન કોર કમિટી સમક્ષ કર્યું હતું.
તદઅનુસાર, સમિટના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર પછીના સમયમાં ઈન્ડસ્ટ્રી 4.0 સ્પિયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન અન્વયે એરક્રાફ્ટ, આનુષંગિક ઉત્પાદન MROની તકો, ધોલેરા-સ્માર્ટ બિઝનેસ માટે ગ્રીન ફિલ્ડ સ્માર્ટસિટી, વિકસિત ભારત@2047 માટે ગુજરાતનો રોડ મેપ, સર્વગ્રાહી વિકાસ માટે ગતિશક્તિ અન્વયે યોગ્ય નિર્ણયોની વિષયવસ્તુ સાથે સેમિનાર, કોન્ફરન્સ અને પેનલ ડિસ્કશન્સ થશે. આ ઉપરાંત કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર તથા સાંજે ગિફ્ટસિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ યોજાશે.
સમિટના બીજા દિવસે 11મી જાન્યુઆરીએ ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન-ડ્રાઇવર્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથની વિષયવસ્તુને આવરી લેતા સેમિનાર્સ, કોન્ફરન્સિસમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, પોર્ટ બેઝડ સિટી ડેવલપમેન્ટ, બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર-ઇન્ડસ્ટ્રી 4.0 માટે કૌશલ્ય વિકાસ અન્વયે યુથ ફોકસ્ડ ઇવેન્ટ્સ, ઇ.વી, સ્ટાર્ટઅપ, આધુનિક ભારતની આકાંક્ષા-ગિફ્ટસિટી, ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ, રિન્યુએબલ એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ માટે ગ્લોબલ નેટવર્ક ડેવલપમેન્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
12મી જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે એટલે કે સમિટના અંતિમ દિવસે MSME કોન્ક્લેવ, ડિ-કાર્બનાઇઝેશન ઑફ ધ ઇકોનોમી અને કાર્બન ટ્રેડિંગ દ્વારા નેટ ઝીરો તરફ પ્રયાણ, વેસ્ટ વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી રિસાયક્લિંગ, સર્ક્યુલર ઇકોનોમીમાં રહેલી તકો, ભારતના ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટીનેશન તરીકે ગુજરાત, રાઉન્ડ ધ ક્લોક એનર્જી માટે વોટ્સ થી ગીગા વોટ વગેરે વિષયક સેમિનાર્સ, કોન્ફરન્સ યોજાશે.
રાજ્યમાં પી.એમ મિત્ર ટેક્ષટાઈલ પાર્ક, મેડિકલ ડિવાઈસીસ પાર્ક, ફાર્મા પાર્ક અને ટોય પાર્ક જેવા નવાં ઉભરતાં સેક્ટર્સમાં ઇન્વેસ્ટમેન્ટ આકર્ષિત કરવા માટે આ વાઇબ્રન્ટ સમિટમાં જે આયોજન થવાનું છે તેની પણ વિગતો ઉદ્યોગ વિભાગ દ્વારા બેઠકમાં આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વાઇબ્રન્ટ સમિટ-2024 ના આ તલસ્પર્શી આયોજનના પ્રેઝન્ટેશન ઉપરાંત પ્રિ-વાઇબ્રન્ટની સફળતા સહિતની વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ વિગતો આપતાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવે કહ્યું કે, વાઇબ્રન્ટ સમિટની 10મી એડિશનને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 72 દેશોમાંથી 72,500 થી વધુ વ્યક્તિઓ, બિઝનેસ-ઇન્ડસ્ટ્રી સંસ્થાઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન થયું છે. વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ને જ્વલંત સફળતા અપાવવાની પ્રતિબદ્ધતા સાથે વિશ્વના દેશો અને ભારતના અન્ય રાજ્યોની પણ સહભાગીતા પ્રેરિત કરવા રોડ-શો તેમજ શ્રેણીબદ્ધ મુલાકાતો યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોર તેમજ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓએ પણ અન્ય દેશોમાં મળીને કુલ 11 રાષ્ટ્રોનો પ્રવાસ કરીને 200 જેટલી વન-ટુ-વન ફળદાયી બેઠકોનું આયોજન કર્યું હતું. એટલું જ નહીં, દેશના 10 શહેરોમાં રોડ-શો અને 100 જેટલી વન-ટુ-વન બેઠકો યોજાઈ હતી.
આ બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, વિવિધ વિષયો પર પ્રિ-વાઇબ્રન્ટ સેમિનાર્સ અને કોન્ફરન્સના આયોજનમાં અત્યાર સુધીમાં 13 પ્રિ-ઇવેન્ટ પૂર્ણ થઈ છે અને વધુ બે ઇવેન્ટ જાન્યુઆરી-2024 સુધીમાં પૂર્ણ થઈ જશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ વાઇબ્રન્ટ સમિટમાં રાજ્યના જિલ્લાઓની પણ ભાગીદારી પ્રોત્સાહિત કરવા દરેક જિલ્લામાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ જિલ્લાના આયોજનનો અભિગમ અપનાવીને તમામ 33 જિલ્લાઓમાં વિવિધ ઉદ્યોગોના 2600 થી વધુ MoU દ્વારા 45 હજાર કરોડ રૂ. નું સંભવિત રોકાણ આવ્યું છે અને સંભવિત પોણા બે લાખ લોકોને રોજગારની તકો મળતી થવાની છે તેની પણ વિગતો બેઠકમાં આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ-2024 ના સમગ્ર આયોજનમાં મહાનુભાવોના આગમન-પ્રસ્થાન સહિતની વ્યવસ્થાઓ ક્ષતિરહિત ગોઠવાય તે માટે તેમજ ટ્રાફિક નિયમન, આવાસ-ભોજન અને અન્ય લોજિસ્ટીક્સ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સલાહકાર, ડૉ. હસમુખ અઢિયા, સલાહકાર રાઠૌર તેમજ રાજ્યના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો અને સચિવો પણ બેઠકની ચર્ચામાં જોડાયા હતા અને વાઇબ્રન્ટ સંદર્ભે પોતાના વિભાગોની આયોજન વ્યવસ્થાની વિગતો આપી હતી.