એડવેન્ચર ટુરિઝમ માટે ભારતને ટોચના 10 વૈશ્વિક સ્થળોમાં સામેલ કરવાની દિશામાં વધુ એક પગલું
Live TV
-
ભારતમાં પ્રવાસન ક્ષેત્રે 2047 સુધીમાં ત્રણ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હોવું જોઈએ.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 પહેલા 15માં વાર્ષિક એડવેન્ચર ટુરિઝમ કન્વેન્શન 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પ્રવાસન સચિવ હારિત શુક્લાએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે થયેલા અભૂતપૂર્વ વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, “ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટુરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે જબરદસ્ત વિકાસ કર્યો છે. વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગીના સ્થળોમાંનું એક છે. ગત વર્ષોમાં, ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ પછી, ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત ખૂબ જ નીતિ આધારિત રાજ્ય છે, અને નીતિઓને વધારવા તેમજ તેમને બધા માટે મૈત્રીપૂર્ણ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મૈત્રીપૂર્ણ નીતિઓના કારણે વિવિધ ક્ષેત્રોમાં જબરદસ્ત વિકાસ જોવા મળી રહ્યો છે.”
વિવિધ મુખ્ય વક્તાઓએ તેમના મંતવ્યો રજૂ કર્યા કે, ભારત આવનારા થોડા વર્ષોમાં કેવી રીતે વૈશ્વિક પ્રવાસન હબ બની શકે છે. ભારતમાં વિવિધ સ્થાનો છે, જે ભારતને વિશ્વના ટોચના સાહસિક પ્રવાસન સ્થળોમાં સ્થાપિત કરી શકે છે. "ભારતીય પ્રવાસન ક્ષેત્રમાં વૃદ્ધિની સંભાવના છે અને હાલમાં તે એક મહત્વના મુકામ પર છે, જે આગળ વધવા માટે તૈયાર છે કારણ કે તમામ સૂચકાંકો સકારાત્મક પરિણામ તરફ નિર્દેશ કરે છે." તેમણે વધુમાં જણાવ્યુ કે ભારતમાં પ્રવાસન ક્ષેત્રે 2047 સુધીમાં ત્રણ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હોવું જોઈએ. તેઓએ ખાસ કરીને એકતા નગરમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ઉત્કૃષ્ટ કાર્ય અંગે વાત કરી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બહોળી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવાની સાથે સંખ્યાબંધ નોકરીની તકો ઊભી કરીને સ્થાનિક અર્થતંત્રને પણ મદદ કરી છે તેમ જણાવ્યું હતું.
એડવેન્ચર ટુરિઝમ પર નોલેજ શેરિંગ માટે ક્ષમતા ઊભી કરવા માટે રૂ.770 કરોડના વિવિધ એમઓયુ અને ફિલ્મ શૂટિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કરાર કરવામાં આવ્યા હતા. એડવેન્ચર ટુરિઝમ માટેની વેબસાઇટ પણ સમાપન દિવસે લોન્ચ કરવામાં આવી હતી. સંમેલન પૂર્વે, ATOAI એ સમગ્ર ભારતમાંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ટુર ઓપરેટરો સાથે બે FAM ટ્રીપનું આયોજન પણ કર્યું હતું. જેમાં ગુજરાતમાં સાહસિક પ્રવાસનની શક્યતાઓ વિશે વાત કરવામાં આવી. મુલાકાતી ભાગીદારો પ્રવાસન સ્થળોના વિકાસ અને ગુજરાતની સાહસિક પર્યટનની અપાર સંભાવનાઓથી પ્રભાવિત થયા હતા.