વિવિધતામાં એકતા જ ભારત વિરોધીઓ માટે જડબાતોડ જવાબ: PM
Live TV
-
સરદાર પટેલની જન્મ જયંતી દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાઈ રહી છે ત્યારે કેવડિયા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને પરેડમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતાં..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.. પ્રધાનમંત્રી મોદીએ લોકોને સત્ય નિષ્ઠાથી રાષ્ટ્રની એકતા અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લવેડાવ્યા હતાં
કેવડિયામાં રાષ્ટ્ર જોગ સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબનું સંસ્મરણ કર્યું હતું. દેશવાસીઓને સંબોધતાં અનુચ્છેદ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે તેમની જન્મ જયંતી પર તેઓ અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય સરદાર સાહેબને સમર્પિત કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અનુચ્છેદ 370 રૂપી જે દિવાલ કાશ્મીરમાં અલગવાદ અને આતંકવાદને પ્રોત્સાહિત કરી રહી હતી તે તોડી નાખવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન સાધતા કહ્યું કે, આપણી વિવિધતાઓ વચ્ચે એકતાને મજબૂત બનાવવાની વાતો થાય છે, તો વિરોધીઓને જડબાતોડ જવાબ મળે છે. આપણે એકતાના માર્ગે ચાલીને આ તાકાતને કડક જવાબ આપી રહ્યા છીએ.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે વિશ્વ મંચ પર આપણો પ્રભાવ અને સદભાવ બંને વધી રહ્યો છે. તેનું કારણ ,આપણી એકતા છે. જ્યારે આપણે વિવિધ પંથ,-સંપ્રદાયોની પરંપરા અને આસ્થાઓનું સન્માન કરીએ છીએ, ત્યારે સદભાવ અને સ્નેહ ભાવમાં વધારો થાય છે.આ એ તાકત છે જે પુરી દુનિયામાં અન્ય કોઈ દેશમાં જોવા નહીં મળે. આજે ભારત દુનિયાની મોટી આર્થિક તાકત છે ,તો તેનું કારણ પણ આપણી એકતા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે દુનિયામાં, અલગ-અલગ દેશ, અલગ-અલગ પંથ અને અલગ-અલગ વિચારધારાઓ તેમજ ભાષાઓ, રંગ-રૂપના આધાર પર બનેલા છે. આ દેશોની વિશેષતા રહી ,ઓળખ રહી પરંતુ ભારત ની વિશેષતા, વિવિધતામાં એકતા છે. વિવિધતામાં એકતા એ આપણું ગર્વ અને ગૌરવ છે, તેમજ આપણી ઓળખ છે. આપણને વિવિધતામાં વિરોધાભાસ નથી દેખાતો પરંતુ તેમાં અંતર્નિહિત એકતાનું સામર્થ્ય જોવા મળે છે.
કેવડિયામાં રાષ્ટ્ર જોગ સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલનું સંસ્મરણ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, જેવી રીતે કોઈ શ્રદ્ધા સ્થળ પર આવી એ તેવી રીતે અહીં આવી ને મન ને અસીમ શાંતિ અને એક નવી ઉર્જા મળે છે. પ્રધાનમંત્રીએ કહ્યું આજે આ પ્રતિમા માત્ર ભારતવાસીઓ ને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને આકર્ષિત કરી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરતા આજે સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે
