Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકાના રાજદૂત શ્રીયુત મિલિન્દો મોરાગોડાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત

Live TV

X
  • શ્રીલંકાના ભારત ખાતેના રાજદૂત શ્રીયુત મિલિન્દો મોરાગોડાએ આજે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી પ્રત્યેના વિચારોથી અત્યંત પ્રભાવિત થયેલા શ્રીયુત મિલિન્દો મોરાગોડાએ શ્રીલંકામાં 50 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનું મોડેલ ફાર્મ બનાવવાની ઈચ્છા પ્રદર્શિત કરી હતી. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પણ શ્રીલંકાના ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોને જરૂરી તમામ માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવાની માંગણી સ્વીકારી હતી. આ માટે ભારત સરકારના વિદેશ બાબતોના મંત્રાલયના પરામર્શમાં રહીને યોગ્ય યોજના તૈયાર કરવા તેમણે શ્રીલંકાના રાજદૂતને અનુરોધ કર્યો હતો.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, 40 વર્ષોના અનુભવ પછી પણ જૈવિક ખેતી-ઑર્ગેનિક ખેતીની સફળતા વિશે અધિકૃતતાપૂર્વક કંઈ લાભદાયી તારણો મળ્યા નથી. તેની સામે સ્થાનિક ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ઘણા સારા પરિણામો મળ્યા છે. તેમણે કહ્યું હતું કે, શ્રીલંકા ચોખા પર વિશેષ નિર્ભર છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પ્રતિ એકર 32 ક્વિન્ટલ ચોખાનું ઉત્પાદન મેળવી શકાયું છે, અને એ માટે પ્રતિ એકર માત્ર રૂપિયા 1,000 નો ખર્ચ આવ્યો છે. તેની સરખામણીએ રાસાયણિક ખાતરના ઉપયોગથી પ્રતિ એકર માત્ર 28 ક્વિન્ટલ ચોખાનું ઉત્પાદન મળી શક્યું છે, તે પણ પ્રતિ એકર રૂપિયા 15,000 નો ખર્ચ કરીને. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીમાં પાણીનો ઉપયોગ પણ 50% થઈ ગયો છે. તેમણે શ્રીલંકાના રાજદૂત શ્રી મિલિન્દો મોરાગોડાને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.

    ભારત સરકાર 2023 ના વર્ષને મીલેટ્સ-જાડા ધાન્યનું  આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કરીને તેની ઉપયોગીતા અને પોષણક્ષમતાથી સમગ્ર વિશ્વને વાકેફ કરી રહી છે ત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મોટાભાગે આદિવાસી વિસ્તારોમાં મીલેટ્સની ખેતી થાય છે. આ વિસ્તારોમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો નથી એટલે જ મીલેટ્સની ગુણવત્તા અને તેના પોષકતત્વોનું મહત્વ વિશેષ રહ્યું છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી મીલેટ્સની ઉત્પાદકતા વધશે, ગુણવત્તા જળવાઈ રહેશે અને વિશ્વકક્ષાએ તેની માંગ પણ વધશે. શ્રીલંકાના રાજદૂત શ્રીયુત મિલિન્દો મોરાગોડાએ કહ્યું હતું કે, ભારત સરકારના વિદેશ બાબતોના મંત્રાલયના પરામર્શમાં રહીને શ્રીલંકાના ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતીના જ્ઞાનનો લાભ મેળવવાની યોજના તૈયાર કરાશે. ભારત સરકારના માર્ગદર્શન હેઠળ શ્રીલંકામાં 50 એકર ભૂમિમાં સ્થાનિક ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટે મોડેલ ફાર્મ તૈયાર કરવા શ્રીલંકા ઉત્સુક છે.  રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીના પ્રાકૃતિક ખેતી પદ્ધતિના જ્ઞાન અને ભૂમિ તથા ખેડૂતોના લાભાર્થે તેમની આ માટેની ઝુંબેશથી શ્રીલંકાના રાજદૂત શ્રીયુત મિલિન્દો મોરાગોડા અત્યંત પ્રભાવિત થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply