મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદી કી યાદે મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું
Live TV
-
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઇન્ડીયન ઓઇલ કંપનીએ અમદાવાદના એસ.પી. રિંગરોડ પર બાકરોલ નજીક આવેલા સરદાર પેટ્રો સ્ટેશન પરિસરમાં નિર્મિત આઝાદી કી યાદે મ્યુઝિયમનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું છે. ઇન્ડીયન ઓઇલ કંપનીએ દેશભરમાં ૭૫ પેટ્રોલ પંપ પર આ પ્રકારે મ્યુઝિયમ ઉભાં કરવાનો નિર્ણય કર્યો છે. દેશની આઝાદીના લડવૈયાઓના યોગદાનને ઉજાગર કરવા, તથા નવી પેઢીને તેનું સ્મરણ રહે તે માટે આઝાદી માટે યોગદાન આપનારા વીર સેનાનીઓના સંઘર્ષ અને ૪૦૦ વર્ષ જુના ઇતિહાસને ઉજાગર કરતું મ્યુઝિયમ આગવું નજરાણું બની રહેશે. મુખ્યમંત્રીએ મ્યુઝિયમની મુલાકાત લઈને પ્રદર્શિત કરાયેલી માહિતી અને વસ્તુઓ નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આધુનિક લાઈટ અને સેટઅપ સાથે અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ સહિતના રાષ્ટ્રનાયકોની યશગાથા વર્ણવવામાં આવી છે. આ ઉપરાંત ભારતના પ્રાચીન શાસકોથી લઈને તમામ પ્રધાનમંત્રીઓની તસવીરો અને યાદી મુકાઈ છે. ભારતે કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પેટ્રોલિયમ ક્ષેત્રે કરેલી પ્રગતિ વગેરે બાબતોને આવરી લેવામાં આવી છે.
