સર્વોચ્ચ અદાલતે શ્રમિક કલ્યાણ માટેની રાજ્યની ઈ-નિર્માણ પોર્ટલ અને યુ-વીન કાર્ડની કરી પ્રશંસા
Live TV
-
દેશની સુપ્રિમકોર્ટે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક એવા યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલની પ્રશંસા કરી છે. પ્રવાસી શ્રમિકોની સમસ્યાઓ સંદર્ભેની સુઓ મોટો રીટ પીટીશન પરની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે શ્રમિક કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની રાજ્ય સરકારની પહેલની પ્રશંસા કરતા અન્ય રાજ્યોને પણ ગુજરાત સરકારના આ મોડેલનું અનુસરણ કરવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અસંગઠિત ક્ષેત્રમાં અને બાંધકામ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકોને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ આપી શકાય એ હેતુથી તેમની નોંધણી માટે ઈ-નિર્માણ પોર્ટલ લોન્ચ કર્યું છે તથા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટે મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે તથા શ્રમિકોને યુ-વીન કાર્ડ રાખવાનું આયોજન કર્યું છે. અત્યાર સુધીમાં છ લાખ શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે આ પોર્ટલના માધ્યમથી વધુને વધુ શ્રમિકોને લાભ આપવા નિર્દેશ આપ્યા છે, તથા તમામ રાજ્યોને શ્રમિકો માટે કોમ્યુનિટી કિચન શરૂ કરવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત આ દિશામાં ઘણું અગ્રેસર છે. શ્રમિકોને અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર 10 રૂપિયામાં પોષણયુક્ત ભોજન આપવામાં આવી રહ્યું છે.
