સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક
Live TV
-
સૂરીનામના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉચ્ચસ્તરીય બેઠક
સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ કહ્યું કે, ભારત અને સૂરીનામ વચ્ચે ભલે અંતર ઘણું છે, ભલે સાઈઝમાં મોટો તફાવત છે પરંતુ બંને દેશોના અંતર-હૃદયથી હૃદય મળેલા છે. આત્માથી બંને દેશો એક જ છે, એવી અનુભૂતિ મને અહીં આવીને થઈ રહી છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સૂરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ બેઠક યોજી હતી. આ મહત્વની બેઠકમાં ગુજરાત અને સૂરીનામ ગણરાજ્ય વચ્ચે ઓઇલ એન્ડ નેચરલ ગેસ, રિન્યુએબલ એનર્જી, કૃષિ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને આદાન-પ્રદાન માટે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંબોધનમાં કહ્યું કે, ગુજરાત આજે જે ગતિથી ઉન્નતિના માર્ગે આગળ વધી રહ્યું છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રગતિશીલ વિચારધારાને આભારી છે. મૃદુ અને દૃઢનિશ્ચયી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત અનેક ક્ષેત્રે અગ્રેસર છે. 'વસુધૈવ કુટુંબકમ્ 'ની વિભાવના અમારા સંસ્કારોમાં છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત G20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે તેમાં પણ આ જ ભાવના સિદ્ધ થઈ રહી છે. સૂરીનામ અને ભારત વચ્ચે ઘણી સામ્યતા છે એમ કહીને તેમણે કહ્યું કે, બંને દેશોના પૂર્વજો એક છે, સાંસ્કૃતિક વિરાસત એક છે. સૂરીનામ ગણરાજ્ય પણ સ્વામી દયાનંદ સરસ્વતીજીના સિદ્ધાંતોનું સન્માન કરીને અનુસરે છે. સૂરીનામ ગણરાજ્ય પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવો અનુરોધ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનું સમાધાન છે, જળ વ્યવસ્થાપનનું મોટું ઉદાહરણ છે અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટેની અનિવાર્યતા છે. ગુજરાતમાં ત્રણ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. સૂરીનામ ગણરાજ્યને આ માટે ભારત તમામ મદદ કરશે. ગુજરાત અને સૂરીનામ ગણરાજ્યના સંબંધોથી બંને દેશોનું કલ્યાણ થશે, બંને દેશોના લોકોને લાભ થશે.
