સેલ્ફી વીથ ડીડી કેમ્પેઇન, બાળકોમાં ઓનલાઈન અભ્યાસ પ્રત્યે રૂચી વધે તે માટે નવતર પ્રયોગ
Live TV
-
કોરોના મહામારીને પગલે છેલ્લાં ઘણા દિવસોથી રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે, પરંતુ બાળકોના અભ્યાસ પર અસર ન પડે તે માટે સરકારના સહકાર થી ડીડી ગિરનાર ચેનલ પર હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જેમાં સોમવાર થી શુક્રવાર હોમ લર્નિંગ કાર્યક્રમ દ્વારા અલગ-અલગ ધોરણનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગોધરા તાલુકાના નવા નદીસર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકોમાં ઓનલાઈન અભ્યાસ પ્રત્યે રૂચી વધે અને નીરસતા દૂર થાય તે માટે એક નવતર પ્રયાસ કરાયો છે. શાળાના શિક્ષકો દ્વારા સેલ્ફી વીથ ડીડી કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઓનલાઈન અભ્યાસ કરતી સમયે કે, હોમવર્ક કરતી વખતે બાળકોને તેમના વાલીના મોબાઈલ ફોન પરથી ડીડી ગીરનાર ચેનલ સાથેની સેલ્ફી લઇને મોકલવાનું જણાવાયું છે. આ વિદ્યાર્થીઓની સેલ્ફી શિક્ષકો દ્વારા શાળાના તેમજ તેમના અંગત સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીના વાલીઓ અને શિક્ષક વચ્ચેના પરિસંવાદ માટે બનાવવામાં આવેલા ગ્રુપમાં પણ આ સેલ્ફી શેર કરવામાં આવે છે. શિક્ષકોની આ ઝુંબેશ બાળકોની નીરસતા દૂર કરવામાં પણ સાર્થક નીવડી રહી છે.