અંબાજીમાં પ્રવાસન નિયમન લાગુ કરાતા લોકો સહિત વેપારીઓએ સરકાર પ્રત્યે આભારની લાગણી કરી વ્યક્ત
Live TV
-
વિધાનસભાના ચોમાસું સત્રમાં અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન વિધેયક-૨૦૨૦ સર્વાનુમત્તે પસાર થયું છે. જેના અનુસંધાને યાત્રાધામ અંબાજીમાં યાત્રીકોને સુવિધા પુરી પાડવા માટે ''અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળ''ની રચના કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જે અંતર્ગત અંબાજી પ્રવાસન સત્તામંડળમાં અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ સહિત ૧૧ સભ્યોની નિમણુંક કરાશે. અંબાજી મંદિર ટ્રસ્ટમાં ભક્તો તરફથી દાન કે ભેટમાં અપાયેલી રકમ સત્તામંડળને આપવાની રહેશે નહી. ટ્રસ્ટની કામગીરી યથાવત રહેશે તથા ટ્રસ્ટની કામગીરી-અધિકારો ચાલુ રહે તે પ્રમાણેની જોગવાઇ પણ કરાઇ છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અંબાજી સહિત તેની આજુબાજુના વિસ્તાર માટેની જરૂરીયાતો ધ્યાનમાં લઇને આ વિધેયક બનાવવામાં આવ્યું છે. સલામત અને સુવિધાસભર પ્રવાસન પૂરૂ પાડવા જેવી બાબતોનાં સમાવેશના કારણે જ લાખો શ્રધ્ધાળુઓના આસ્થા સમાન અંબાજીનો સંતુલિત વિકાસ થશે. અંબાજીમાં પ્રવાસન નિયમન લાગુ કરાતા અંબાજીના લોકો સહિત વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તેમણે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.