CM વિજય રૂપાણીએ ધારાસભ્ય તરીકે મળતી વિકાસ કામોની સંપૂર્ણ ગ્રાન્ટ કોરોના સંક્રમિતોની સારવાર માટે આપી
Live TV
-
દોઢ કરોડ રૂપિયા રાજકોટમાં પી.ડી.યુ. હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા આપ્યા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસના હાલના સંક્રણકાળમાં કોરોના સંક્રમિતોની સારવાર- સેવાનો આગવો ઉદાત જન સેવા સમર્પિત ભાવ દર્શાવ્યો છે. મુખ્યમંત્રીએ ધારાસભ્ય તરીકે તેમને મળતી વિકાસ કામોની રૂપિયા દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ કોરોના સંક્રમિતોની સારવારના ઉપયોગ માટે ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલને ફાળવી આપી છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ તાજેતરમાં કોર કમિટીની બેઠકમાં દરેક ધારાસભ્યોએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા કોરોના કોવિડની સારવાર માટે અદ્યતન સાધન સામગ્રી ખરીદવા આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં જો કોઇ ધારાસભ્ય ઇચ્છે તો આવા સાધનો ખરીદવા પોતાની સંપૂર્ણ MLA ગ્રાન્ટ પણ આપી શકશે તેવી જોગવાઇ પણ કરેલી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના આ કપરાકાળમાં જન સેવા દાયિત્વનો પહેલરૂપ અભિગમ અપનાવી ધારાસભ્ય તરીકેની પોતાની સંપૂર્ણ એટલે કે રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ રાજકોટની PDU હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા આપી અન્યો માટે પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરૂ પાડ્યું છે.
