અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન સામે મહાભિયોગની તપાસને મંજૂરી, જો બાઈડેને રાજકીય સ્ટંટ ગણાવ્યો
Live TV
-
મહાભિયોગ પ્રસ્તાવના સમર્થનમાં 221 અને વિરોધમાં 212 મત મળ્યા હતા.
અમેરિકી સંસદે બુધવારે રાષ્ટ્રપતિ જો બાઈડેન વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવના સમર્થનમાં 221 અને વિરોધમાં 212 મત મળ્યા હતા. અમેરિકન પ્રમુખ તેમના પુત્ર હન્ટર બાઈડેનના વિવાદાસ્પદ આંતરરાષ્ટ્રીય સોદાનો બચાવ કરવા માટે આગમાં છે. ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિ બાઈડેન સામે મહાભિયોગની તપાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે રાષ્ટ્રપતિ બાઈડેને તેને રાજકીય સ્ટંટ ગણાવ્યો છે.
આ સમગ્ર મામલો અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનના પુત્ર, હન્ટર બાઈડેનના બિઝનેસ ડીલ સાથે જોડાયેલો છે. રિપબ્લિકન પાર્ટીના સભ્યો હન્ટર બાઈડેનના વ્યવસાયિક વ્યવહારની તપાસ કરી રહ્યા છે. તેમને આ કેસમાં હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી હતી. હન્ટર બાઈડેને બંધ દરવાજા પાછળને બદલે જાહેરમાં જુબાની આપવાની વાત કરી. તેમણે બંધ દરવાજા પાછળ કોઈ વિગતો આપવાનો ઈન્કાર કર્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને મહાભિયોગ પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપતા તેને રાજકીય સ્ટંટ ગણાવ્યો છે. તેને પાયાવિહોણું ગણાવતા તેમણે કહ્યું કે, અમેરિકન લોકો ઈચ્છે છે કે, તેમના નેતા દેશ અને વિશ્વની મહત્વપૂર્ણ બાબતો પર કાર્યવાહી કરે.
જોકે, રિપબ્લિકન પાર્ટીએ હજુ સુધી રાષ્ટ્રપતિ બાઈડેન સામે કોઈ મજબૂત તથ્યો રજૂ કર્યા નથી. મહાભિયોગથી કોઈ ફાયદો થશે નહીં કારણ કે પ્રસ્તાવ ઉપલા ગૃહ સેનેટમાં નિષ્ફળ જશે. કેમકે ત્યાં ડેમોક્રેટ્સ પાર્ટીની સંખ્યા વધુ છે.