ડૉ. મોહમ્મદ યૂનુસે બાંગ્લાદેશની વચગાળાની કમાન સંભાળી, પદ અને ગુપ્તતાના લીધા શપથ
Live TV
-
બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે દેશની બાગડોર સંભાળી છે. યુનુસ ગુરુવારે વચગાળાની સરકારનું નેતૃત્વ સંભાળવા પેરિસથી ઢાકા પહોંચ્યા હતા.
ઢાકા: નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા. યુનુસને રાષ્ટ્રપતિ ભવન 'બંગા ભવન' ખાતે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન દ્વારા પદના શપથ લેવડાવ્યા હતા. 2006માં નોબેલ પુરસ્કાર મેળવનાર યુનુસને મંગળવારે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સંસદ ભંગ કર્યા બાદ વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ સોમવારે શેખ હસીનાએ આરક્ષણ પ્રણાલી સામે વ્યાપક વિરોધ વચ્ચે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપીને દેશ છોડી દીધો હતો.
શેખ હસીનના શાસન દરમિયાન ઉચાપકના આરોપમાં હેરાનગતિનો સામનો કરનારા નોબલ પુરસ્કારથી સન્માનિક પ્રોફેસર મોહમ્મદ યુનુસનું જીવન એકદમ બદલાઈ ગયું છે. હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશ છોડ્યા બાદ યુનુસ હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા બની ગયા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં તેમને શપથ લેવડાવ્યા હતા. યુનુસને "સૌથી ગરીબ લોકોનો બેંકર" પણ કહેવામાં આવે છે. જેને લઈને તેમને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો અને એકવાર હસીનાએ યુનુસને "બ્લડસકર" કહ્યો હતો. તેમને હસીનાના કડવા ટીકાકાર અને વિરોધી માનવામાં આવે છે.
હસીનાના રાજીનામાને દેશનો "બીજો મુક્તિ દિવસ" તરીકે ગણાવવામાં આવ્યો
મોહમ્મદ યુનુસે હસીનાના રાજીનામાને દેશનો "બીજો મુક્તિ દિવસ" ગણાવ્યો છે. વ્યવસાયે અર્થશાસ્ત્રી અને બેંકર યુનુસને ગરીબ લોકોને ખાસ કરીને મહિલાઓને મદદ કરવા માટે માઇક્રોક્રેડિટના ઉપયોગમાં તેમની અગ્રણી ભૂમિકા માટે 2006 માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. યુનુસે 1983માં ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી જેથી તેઓ એવા ઉદ્યોગસાહસિકોને નાની લોન આપી શકે. લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં બેંકની સફળતાએ અન્ય દેશોમાં સમાન માઇક્રોફાઇનાન્સિંગ પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું. યુનુસને 2008માં હસીના સરકાર તરફથી કડક કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેના પ્રશાસને યુનુસ વિરુદ્ધ ઘણી તપાસ શરૂ કરી હતી. યુનુસે અગાઉ જાહેરાત કરી હતી કે તે 2007માં રાજકીય પક્ષ બનાવશે, જોકે તેમણે તેમની યોજનાનું પાલન કર્યું ન હતું.