મ્યાનમાર-થાઇલેન્ડ ભૂકંપ: ઇલોન મસ્ક દ્વારા સ્ટારલિંક કીટની ઓફર
Live TV
-
સ્ટારલિંક એક સેટેલાઇટ કોન્સ્ટેબલ સિસ્ટમ છે જેનો હેતુ વૈશ્વિક ઇન્ટરનેટ કવરેજ પૂરું પાડવાનો છે. આ સિસ્ટમ ગ્રામીણ અને ભૌગોલિક રીતે અલગ વિસ્તારો માટે આદર્શરૂપ છે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી છે.
શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં, વિશ્વએ મદદનો હાથ લંબાવ્યો છે. આ દરમિયાન, Xના માલિક ઇલોન મસ્કે પણ એક ઓફર કરી છે. તેમના મતે, આ આપત્તિના સમયે કોમ્યુનિકેશનમાં મદદ કરશે.
મસ્કે X પર શું લખ્યું ?
ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે, થાઈલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી થયેલા નુકસાન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. સ્પેસએક્સ ટીમ સંદેશાવ્યવહારની જરૂરિયાતો અને રાહત પ્રયાસોમાં મદદ કરવા માટે સ્ટારલિંક કિટ્સ પ્રદાન કરવા તૈયાર છે.
મ્યાનમારના 6 વિસ્તારોમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર
7.7ની તીવ્રતાના ભૂકંપ પછી, મ્યાનમાર સ્થિત નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ કહ્યું કે શુક્રવારે મોડી રાત્રે અહીં રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. દક્ષિણપૂર્વ એશિયાના મોટાભાગના ભાગોમાં 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના થોડા કલાકો પછી જ આ ભૂકંપ આવ્યો હતો. પહેલા ભૂકંપ પછી 150થી વધુ લોકોના મોત અને સેંકડો ઘાયલ થયાની પુષ્ટિ થઈ હતી.
શુક્રવારના વિનાશક ભૂકંપ બાદ મ્યાનમારના લશ્કરી જુન્ટાએ છ પ્રદેશોમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી છે. અધિકારીઓએ કહ્યું કે, મ્યાનમાર અને થાઇલેન્ડમાં શોધ અને બચાવ પ્રયાસો ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની ધારણા છે.
થાઇલેન્ડના PMએ બેંગકોકને 'ઇમરજન્સી ઝોન' જાહેર કર્યું
બેંગકોકમાં ભૂકંપના કારણે નિર્માણાધીન એક બહુમાળી ઇમારત ધરાશાયી થતાં આઠ લોકો માર્યા ગયા અને નવ લોકો ઘાયલ થયા. પોલીસે કહ્યું કે, 100થી વધુ લોકો ગુમ છે. 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ, થાઈલેન્ડના વડાપ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાએ બેંગકોકને 'ઇમરજન્સી ઝોન' જાહેર કર્યું.
વડાપ્રધાન શિનાવાત્રાએ "ગૃહ મંત્રાલયને તાત્કાલિક બેંગકોકને ઇમરજન્સી ક્ષેત્ર જાહેર કરવા અને દેશભરના પ્રાંતોને આ પરિસ્થિતિને રાષ્ટ્રીય ઇમરજન્સી તરીકે ગણવા માટે જાણ કરવા સૂચના આપી છે, જેથી જરૂર પડ્યે તાત્કાલિક જાહેર સહાય પૂરી પાડી શકાય. વડાપ્રધાન તાત્કાલિક બેંગકોક પરત ફરી રહ્યા છે અને લોકોને બહુમાળી ઇમારતો ટાળવા, ફક્ત સીડીનો ઉપયોગ કરવા અને શાંત રહેવા વિનંતી કરી છે. બધી સરકારી એજન્સીઓને સૂચના આપવામાં આવી છે અને શાળાઓને બાળકોને વહેલા ઘરે મોકલવા સૂચના આપવામાં આવી છે."