ઈજાગ્રસ્ત પિતાને સાયકલ પાછળ બેસાડી દીકરીએ 1200 કિમીનું અંતર કાપ્યું
Live TV
-
15 વર્ષની જ્યોતિ કુમારી સોશિયલ મીડિયામાં છવાઈ, ટ્રમ્પની પુત્રી ઇવાન્કાએ ટ્વિટ કરી પ્રશંસા કરી
કોરોના વાઈરસના કારણે દેશભરમાં લાગૂ લૉકડાઉન વચ્ચે પોતાના પિતાને સાયકલ પર બેસાડીને ગુરૂગ્રામથી બિહારના દરભંગા સુધી લઈ જનારી જ્યોતિ કુમારી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. બિહારની આ દીકરીની ચર્ચા વિદેશોમાં પણ થવા લાગી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પે પણ જ્યોતિ કુમારીને લઈને ટ્વીટ કર્યું છે અને ભારતીયોને સહનશીલતાના ભરપુર વખાણ કર્યાં છે. ઈવાન્કાએ ટ્વીટ કર્યું છે કે, 15 વર્ષની જ્યોતિ કુમારીએ પોતાના ઈજાગ્રસ્ત પિતાને સાયકલ પર 7 દિવસમાં 1200 કિલોમીટરનું અંતર કાપીને પોતાના ગામ લઈ ગઈ. ઈવાન્કાએ આગળ લખ્યું છે કે, સહનશક્તિ અને પ્રેમની આ વીરગાથાએ ભારતીય લોકો અને સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું (CFI) ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
જ્યોતિના પિતા ગુરૂગ્રામમાં રિક્ષા ચલાવતા હતા અને તેમનો અકસ્માત થયા બાદ તે પોતાની માતા અને જીજાજી સાથે ગુરૂગ્રામ આવી હતી અને પછી ત્યાં જ પિતાની દેખરેખ માટે રોકાઈ ગઈ હતી. આ દરમિયાન કોરોના મહામારીના પગલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી અને જ્યોતિના પિતાનું કામકાજ ઠપ્પ થઈ ગયું. એવામાં જ્યોતિએ પિતા સાથે સાયકલ પર જ પોતાના ગામે પરત ફરવાનો નિર્ણય કર્યો. જણાવી દઈએ કે, 15 વર્ષની જ્યોતિ લૉકડાઉનમાં પોતાના પિતના મોહન પાસવાનને સાયકલ પર બેસાડીને 1200 કિલોમીટરનું અંતર 7 દિવસમાં કાપીને ગુરૂગ્રામથી બિહારના દરભંગા પહોંચી હતી. આ માટે જ્યોતિએ દરરોજ 100 થી 150 કિમી સાયકલ ચલાવી હતી.
