ત્રિપુરામાં કેસરિયો લહેરાયો, લેફ્ટના કિલ્લામાં ગાબડુ
Live TV
-
ત્રિપુરામાં કેસરિયો લહેરાયો, ત્રિપુરામાં ભવ્ય જીત બદલ અમિત શાહે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો
દેશના ઉત્તરપૂર્વના ત્રણ રાજ્યોના ચુંટણીના પરિણામો ભાજપ અને સાથી પક્ષો માટે ઉત્સાહજનક સમાચાર લઇને આવ્યાં છે. ત્રિપુરા, નાગાલેંડ અને મેઘાલયમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ઘણો જ ફાયદો થયો છે. ત્રિપુરામાં ભાજપ સરકાર રચી રહ્યો છે જ્યારે નાગાલેંડમાં સાથી પક્ષો સાથે મળીને સરકાર રચનાની શક્યતાઓ વધી ગઇ છે. તો બીજી તરફ મેઘાલયમાં કોંગ્રેસ સરકાર રચે તેવી સંભાવનાઓ ઉભી થઇ રહી છે.
ત્રિપુરા, મેઘાલય અને નાગાલેંડની તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીની મતગણતરી સવારથી જ ચુસ્ત સલામતી વ્યવસ્થા વચ્ચે શરૂ થઇ હતી. જેમ-જેમ ત્રણેય રાજ્યોના પરિણામો આવતાં ગયાં તેમ-તેમ ભાજપ અને તેના સાથીપક્ષો માટે વિજયની ઉજવણી કરનારા સમાચારો આવ્યા હતા. ત્રિપુરામાં ગત ચુંટણીમાં એક પણ બેઠક ન મેળવી શકનારા ભાજપે બહુમતી મેળવીને સત્તાનું સુકાન સંભાળનારુ પરિણામ આવ્યું છે. ત્યારે દિલ્હી ખાતે ભાજપના હેડક્વાર્ટરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમિત શાહે આ વિજયને પીએમ મોદીના સૌના સાથ સૌના વિકાસનો સફળ નારો અને ભાજપના કાર્યકરોની તનતોડ મહેનતની ફુળશ્રુતિ ગણાવી હતી.
ભાજપના વિજયને કારણે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના ટોચના નેતાઓએ પણ આ વિજયને વધાવ્યો હતો. નેતાઓએ પીએમ નરેન્દ્ર મોદીની વિકાસની નીતિ અને અમિત શાહની ચુંટણી વ્યુહરચનાને કારણે ભવ્ય વિજય મેળવ્યો હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ મેઘાલયમાં કોંગ્રેસની જીત બાદ પાર્ટીએ તેમના દિગ્ગજ નેતા અહેમદ પટેલ સહીતના દિગ્ગજ નેતાઓ પહોંચી ચૂક્યા છે. જેને કારણે તાત્કાલિક અસરથી મેઘાલયમાં સરકાર રચી શકાય તેમજ જોડતોડની રાજનીતિથી બચી શકાય.જોકે આ ચુંટણીના પરિણામોએ ત્રણે રાજ્યોમાં ડાબેરી પાર્ટીઓના સૂપડા સાફ કરી દીધાં છે તે સ્પષ્ટ છે.