દિલ્હી ખાતે ૧૩ મા રાષ્ટ્રીય અંગદાન દિવસે ગુજરાતને શ્રેષ્ઠ કામગીરી માટે મળ્યાં પાંચ એવોર્ડ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં થઇ રહેલ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની શ્રેષ્ઠ કામગીરીનું આજે રાષ્ટ્ર સ્તરે બહુમાન થયું છે. ૧૩ મા રાષ્ટ્રીય અંગદાન દિવસ ૩ જી ઓગષ્ટે નવી દિલ્હી ખાતે NOTTO (National Organ and Tissue Transplant Organisation) દ્વારા આયોજીત કાર્યક્રમમાં ગુજરાતને વિવિધ કેટેગરીમાં પાંચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે ગુજરાતને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ રીટ્રાઇવલ સેન્ટર, બ્રેઇનડેડ કમીટી માટે તેમજ સિવિલ હોસ્પિટલના જ આર.એમ.ઓ. ડૉ. સંજય સોલંકીને બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર માટે એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષમાં ૧૨૩ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં ૩૯૭ અંગો સફળતાપૂર્ણ રીટ્રાઇવ કરીને ૩૭૭ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૧૯ માં રાજ્યમાં SOTTO ની સ્થાપના કરવામાં આવી છે. સોટ્ટોની સ્થાપના બાદ કોરોનાકાળના બે વર્ષની વિષમ પરિસ્થિતીઓ વચ્ચે SOTTOના કન્વીર ડૉ. પ્રાંજલ મોદીના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષમાં ૧૨૦૭ અંગદાન અને ૩૬૭૩ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. હાલ રાજ્યમાં કુલ રીટ્રાઇવલના ૪૨% સરકારી સંસ્થામાં અને ૬૮ % ટ્રાન્સપ્લાન્ટ સરકારી સંસ્થામાં કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અંગદાનની જનજાગૃતિને રાજ્યવ્યાપી બનાવવા અને રાજ્યમાં ગ્રામ્ય સ્તર સુધી સેવાકીય પ્રવૃતિઓ દ્વારા અંગદાનની મુહિમને જન આંદોલનમાં પરિણમવા મહત્વની ભૂમિકા અદા કરનાર દિલિપ દેશમુખ(દાદા) ની સંસ્થા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટનું બેસ્ટ ઇમર્જીંગ NGO કેટેગરીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.
