પ્રજાસત્તાક દિનની પરેડમાં 12 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો તથા 9 કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની ઝાંખીઓ થશે સામેલ
Live TV
-
પ્રજાસત્તાક દિનની પરેડમાં આ વખતે 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા નવ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની ઝાંખીઓ સામેલ કરાશે. સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે આ વખતે ઝાંખીઓનો મુખ્ય વિષય આઝાદીના અમૃત મહોત્સવ એ વિષય પર આધારિત છે. આ મહોત્સવ આઝાદીની 75 ની વર્ષગાંઠના અનુસંધાનમાં મનાવાય છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ઊડે દેશનો સામાન્ય નાગરિક, જલ જીવન મિશન, મહર્ષિ અરવિન્દની 150મી અને નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતિ વિષેની ઝાંખી આ વર્ષના સમારંભનું મુખ્ય આકર્ષણ હશે.
પંજાબની ઝાંખીમાં સ્વતંત્રતા સેનાની શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને જનરલ ડાયર સામે જલિયાનવાલા બાગ નરસંહારનો બદલો લેતાં દર્શાવાયા છે.
દરમિયાન ગુજરાત આ વર્ષે 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરશે.
'ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો' વિષયક ટેબ્લોમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવના આદિવાસી કરાંતિકારીઓની કથા ઉજાગર થશે. પાલ અને દઢવાવગામમાં અંગ્રેજોએ જલિયાનવાલા બાગ કરતાં પણ વધુ ભીષણ હત્યાકાંડ સર્જ્યો હતો.જેમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા. અત્યાર સુધી અજાણી રહેલી આ ઐતિહાસિક ઘટનાને 100 વર્ષ થઇ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ટેબ્લોના માધ્યમથી ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે.
