પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિને આમંત્રણ
Live TV
-
ભારતે 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને આમંત્રણ આપ્યું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને હવે માત્ર એક મહિના જેટલો સમય બાકી છે, તેથી પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
નોંધનીય છે કે, જુલાઈમાં પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સના નેશનલ ડેમાં હાજરી આપી હતી. નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે અલગ-અલગ પ્રસંગોએ સારો તાલમેલ જોવા મળ્યો છે. આ વર્ષે, ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ, બેસ્ટિલ ડેની ઉજવણી પર, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માન, લીજન ઑફ ઓનરથી નવાજવામાં આવ્યા હતા. પીએમ મોદી આ સન્માન મેળવનાર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી છે. બેસ્ટિલ ડે પર, તેમણે સન્માનિત અતિથિ તરીકે પરેડમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂરા થવા પર ફ્રાન્સને અભિનંદન પણ આપ્યા. આ પ્રસંગે ત્રણેય સેનાઓની 241 સભ્યોની ટુકડીએ પણ પરેડમાં ભાગ લીધો હતો.
આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થઈ હતી. બેઠક બાદ બંને નેતાઓએ ભારત-ફ્રાન્સના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઈટર એરક્રાફ્ટની ખરીદી કરી, બંને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારી વધારી. જો ઈમેન્યુઅલ મેક્રોન ભારત આવવાનું આમંત્રણ સ્વીકારે છે, તો આ છઠ્ઠી વખત હશે જ્યારે કોઈ ફ્રેન્ચ નેતા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપશે. મેક્રોન પહેલા, 1976 અને 1998માં ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જેક શિરાક મુખ્ય અતિથિ હતા. તેમની પહેલાં, ભૂતપૂર્વ પ્રમુખો વેલેરી ગિસકાર્ડ ડી'ઇસ્ટાઇંગ, નિકોલસ સરકોઝી અને ફ્રાન્કોઇસ હોલેન્ડે અનુક્રમે 1980, 2008 અને 2016 માં મુખ્ય મહેમાન હતા.
ભારત અને ફ્રાંસ વચ્ચે રાજદ્વારી સંબંધો 1998માં વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત થયા હતા, જેને જાન્યુઆરી 2023માં 25 વર્ષ પૂર્ણ થયા હતા. આ ભાગીદારી સંરક્ષણ, સુરક્ષા, અવકાશ, નાગરિક પરમાણુ બાબતો અને આર્થિક વિકાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર પર આધારિત છે. આ ઉપરાંત આ સહયોગ ડિજિટલ સહયોગ અને અંતરિક્ષ સહયોગ જેવા ક્ષેત્રો સુધી વિસ્તરેલો છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ મેક્રોનને ભારતનું આમંત્રણ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે.